ભાવનગરમાં રોડ, પાણી સહિત લાખો રૂપિયાના કામોનું શિક્ષણ મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

13

રૂ. ૫૮૫ લાખના ખર્ચે પાણીની જી.એલ.આર. બનાવવાનું તથા રાઇઝિંગ મેઇન લાઇન નાખવાના કામોનું ખાતમુહૂર્ત કરાયું : ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન ધીરૂ ધામેલીયા, શહેર ભાજપ પ્રમુખ સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
ભાવનગરમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે લાખો રૂપિયાના ખર્ચે આર.સી.સી.રોડના કામોનું તેમજ પાણીના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી રૂપિયા ૫૮૫ લાખના ખર્ચે પાણીની જી.એલ.આર. બનાવવાનું તથા રાઇઝીંગ મેઈન લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૨૩ લાખના ખર્ચે આર.સી.સી.રોડના કામોનું ખાતમુહૂર્ત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. ફુલસર કર્મચારીનગર, ધારેશ્વર મહાદેવ મંદિર પાસે જી.એલ.આર. બનાવવાં, ચિત્રા ફિલ્ટર પ્લાન્ટથી ધારેશ્વર મહાદેવ મંદિર જી.એલ.આર.સુધી રાઇઝીંગ મેઈન નાખવાં સહિતના કામોનું ખાતમુહૂત કરાયું હતું. આ ઉપરાંત ચિત્રા ફુલસર વોર્ડમાં કર્મચારીનગર-૧ માં બ્લોક નં.૧૬૬ થી ૧૬૧ સુધી આર.સી.સી.રોડ બનાવવા, ચિત્રા ફુલસર વોર્ડમાં કર્મચારીનગર-૧ માં બ્લોક નં.૧૬૬ થી ૧૬૧ સુધી તથા બ્લોક નં.૧૮૯ થી ૧૮૬ સુધી આર.સી.સી.રોડ બનાવવાનું અને ફુલસર દિહોર વાળી શેરીમાં ખેતલિયાદાદા મંદિરથી જલારામ સ્ટોર સુધી આર.સી.સી. રોડ બનાવવાંનાં કામોનાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા રોડ, લાઈટ, ગટર,પાણી વગેરે જેવી સુવિધાઓમાં નોંધપાત્ર વૃદ્ધિ કરીને ઉડીને આંખે વળગે તેવો નેત્રદીપક વિકાસ કર્યો છે. આપણી આસપાસમાં પરિવર્તન આવે, સીધી રીતે ન દેખાય છતાં બદલાવ આવે તેને વિકાસ કહેવાય. રાજ્ય સરકારની ત્વરિત નિર્ણય શક્તિને કારણે વ્યવસ્થાઓમાં મોટો બદલાવ આવ્યો છે અને લોકોની જરૂરીયાત મુજબ સમયસર કાર્ય થાય તે માટેની કાર્યપદ્ધતિ અમે વિકસિત કરી છે. તેમણે ભાવનગર પશ્ચિમના અને ખાસ કરીને ચિત્રા, ફુલસરના વિકાસ માટે ખૂબ મોટુ યોગદાન આપ્યું હતું. આજે જે વિકાસના કાર્યો થઇ રહ્યાં છે તેને જોઈને તેમની દિવ્ય ચેતના આશીર્વાદ આપશે. ચિત્રા, ફુલસર વિસ્તારમાં પાણીની ટાંકી માત્ર ૬ મહિનામાં જ તૈયાર થઈ જશે. આ ઉપરાંત આસપાસની સોસાયટીઓમાં પ્રેશરથી પાણી આવે તેવી વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. રોજગાર સાથે વિકાસ થાય અને આજનો યુવાન આત્મનિર્ભર બને તે માટે અમે સ્કિલ્સ યુનિવર્સિટીનું બિલ પાસ કર્યું છે. વિદ્યાર્થીઓ પડેલી આવડતને પોંખવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી તેમણે કહ્યું કે, યુવાનોમાં પડેલાં કૌશલ્યને બહાર લાવવા માટે અમે અનેક નિર્ણયો કર્યા છે. આગામી પેઢી પ્રતિભાવાન આવી રહી છે. ત્યારે આ બુદ્ધિપ્રતિભાને રાષ્ટ્રના હિતમાં કઈ રીતે ઉપયોગ કરી શકાય એ દિશામાં અમે સમયબદ્ધ પગલાં લઇ રહ્યા છીએ. બજારમાં કુશળતા,સ્કીલ,ટેકનીક વેચાય છે. તેને બજાર મળે તે માટેની વ્યવસ્થાઓ ઊભી થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા ભગીરથ પ્રયત્નો હાથ ધરાયા છે. વિદ્યાર્થીઓ દ્વારા જે પણ નવીન સંશોધનો પ્રયોગ થાય છે તે બધાને પોંખવા માટે સ્ટાર્ટ અપ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકારી શાળામાં ખાનગી શાળા જેવી વ્યવસ્થાઓ આગામી દિવસોમાં ઊભી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને વિદેશ જેવું શિક્ષણ અહીંયા મળે તે માટે તાજેતરમાં જ કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યાં છે. આ યુનિવર્સિટીની ફી ૮૦ હજાર રૂપિયા હોય છે. મેયર કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું હતું કે, ચિત્રા,ફુલસર વિસ્તારમાં પાણીની ટાંકીના નિર્માણથી વર્ષો જૂની પાણીની સમસ્યા દૂર થશે. કોર્પોરેશન દ્વારા ઘણાં બધા વિકાસના કાર્યો કરવામાં આવ્યાં છે અને ઘણા બધા વિકાસના કાર્યો હજુ પ્રગતિમાં છે, તેમણે નગરજનોને શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરતાં જણાવ્યું કે, સ્વચ્છતાથી તંદુરસ્તી જળવાશે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાનું વ્યાપક પ્રમાણમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેથી ઘણા અંશે આપણે કોરોનાથી બચી ગયા છીએ. આ પ્રસંગે ડેપ્યુટી મેયર કુમાર શાહ, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન ધીરૂ ધામેલીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યા, મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી, સહિતના પદાધિકારીઓ- અધિકારીઓ તથા ભાવનગરના નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.