અભિનેત્રી ક્રિસ્ટલ ડિસૂઝાનું નવું ઘર ખૂબ જ સુંદર છે

6

મુંબઈ,તા.૨૧
ટેલિવુડ અને ચહેરે ફિલ્મમાં જોવા મળેલી એક્ટ્રેસ ક્રિસ્ટલ ડિસૂઝાએ આ વર્ષે જ પોતાને એક મોંઘી ગિફ્ટ આપી હતી. ક્રિસ્ટલ ડિસૂઝાએ એક સુંદર ઘર ખરીદ્યું છે. જેની ખુશી તેણે મિત્રો સાથે વહેંચી હતી. ક્રિસ્ટલના ખાસ ફ્રેન્ડ્‌સ એકતા કપૂર, અનિતા હસનંદાની, મુસ્તાક શેખ, રિદ્ધિ ડોગરાએ હાલમાં જ તેના નવા ઘરની મુલાકાત લીધી હતી. તેમણે ક્રિસ્ટલ સાથે મળીને નવું ઘર ખરીદવાની ખુશીને સેલિબ્રેટ કરી હતી. એકતા કપૂરે ક્રિસ્ટલના ઘર અને ફ્રેન્ડ્‌સ સાથે કરેલા સેલિબ્રેશનની ઝલક બતાવતી કેટલીક તસવીરો શેર કરી છે. તસવીરમાં ’હોમ સ્વીટ હોમ’ લખેલી બે ટિયર કેક પણ જોઈ શકાય છે. ઉપરાંત ક્રિસ્ટલ ડિસૂઝાએ ઘરની બહાર ઊભા રહીને નેમપ્લેટ સાથે ફોટો પડાવ્યો છે. ઘરની અંદર દિવાલ પર તેણે પ્રેરણા આપતાં કેટલાક શબ્દોની ફ્રેમ બનાવડાવી છે. આ તસવીરો શેર કરતાં એકતાએ લખ્યું, “મારી ડાર્લિંગ ક્રિસ્ટલ ડિસૂઝા. તારું ઘર તારા જેવું જ સુંદર, વ્યક્તિવાદી અને આવકારદાયી છે. લવ યુ. ક્રિસ્ટલે પણ એકતાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં ’આઈ લવ યુ’ લખ્યું હતું. મુસ્તાક શેખે એક વિડીયો શેર કરીને ક્રિસ્ટલના ઘરની ઝલક બતાવી હતી. વિડીયોમાં જોઈ શકો છો કે, ક્રિસ્ટલના ઘરનો લિવિંગ રૂમ ખૂબ મોટો છે. બાલકની પણ સુંદર અને મોટી છે. અહીં શાંતિથી બેસવા માટે ખુરશીઓ રાખવામાં આવી છે. સાથે જ એક શેલ્ફમાં ટ્રોફી અને પુસ્તકો મૂકવામાં આવ્યા છે. એક દિવાલ પર નિયોન લાઈટનું વૉલ ડેકોર મૂકવામાં આવ્યું છે અને તેના પર પોઝિટિવ મેસેજ લખ્યો છે. ટૂંકમાં ક્રિસ્ટલનું ઘર આરામદાયક, ખૂબસૂરત અને પોઝિટિવ વાઈબ્સ આપનારું છે. મુસ્તાક શેખે વિડીયો શેર કરતાં લખ્યું, તારું પોતાનું ઘર બનાવું અને બધું જ તારી મહેનતથી જાતે ઊભું કરવું તે ગર્વ આપતો એવો બેજ છે જેને તું આજીવન પહેરી શકે છે. ક્રિસ્ટલે ખૂબ સુંદર ઘર બનાવ્યું છે. મારી યોદ્ધા તારા પર ગર્વ છે. લવ યુ ક્રિસ્ટૂ ચમકતી રહે. તેં તારી જાતે જે ખુશીઓથી ભરેલી દુનિયા બનાવી છે તેના દરેક કણની તું હકદાર છે. ક્રિસ્ટલ ડિસૂઝાએ કેક કાપતો પોતાનો વિડીયો પણ શેર કર્યો છે. કેક કાપ્યા બાદ તે મજાથી ખાતી જોવા મળે છે. તેણે વિડીયો શેર કરતાં લખ્યું, “હું મારી પાસે કેક છે અને ખાઈ પણ શકું છું. જણાવી દઈએ કે, ક્રિસ્ટલ ડિસૂઝાએ આમ તો ઘણી સીરિયલોમાં કામ કર્યું છે પરંતુ તેને ઓળખ ટીવી શો ’એક હજારોં મેં મેરી બહેના હૈ’એ અપાવી હતી. આ શોમાં ક્રિસ્ટલ ઉપરાંત નિયા શર્મા, કરણ ટેકર અને કુશાલ ટંડન લીડ રોલમાં હતા.