નિવૃતિની ઉંમર વધારવા પર સરકાર વિચાર કરી રહી છે

4

પેન્શનની રકમ વધારવા પર સરકાર વિચારી રહી છે : આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું કે, નિવૃતિની ઉંમર વધારવાની સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ શરૂ કરવી જોઈએ
નવી દિલ્હી, તા.૨૨
કેન્દ્ર સરકાર કર્મચારીઓને જલદી ખુશખબર આપી શકે છે. કર્મચારીઓની નિવૃતિની ઉંમર અને પેન્શનની રકમ વધારવા પર સરકાર વિચાર કરી રહી છે. પ્રધાનમંત્રીની આર્થિક સલાહકાર સમિતિ તરફથી આ પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તેમાં દેશમાં લોકોના કામ કરવાની ઉંમર મર્યાદા વધારવાની વાત કહેવામાં આવી છે. સાથે પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું કે, દેશમાં નિવૃતિની ઉંમર વધારવાની સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ. સમિતિના રિપોર્ટ અનુસાર આ સૂચન હેઠળ કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછા ૨ હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં સીનિયર સિટીઝનની સુરક્ષા માટે સારી વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો કામકાજની ઉંમરની વસ્તી વધારવી છે તો તે માટે નિવૃતિની ઉંમર વધારવાની સખત જરૂરી છે. સામાજીક સુરક્ષા સિસ્ટમ પર દબાવ ઓછો કરવા માટે આમ કરી શકાય છે.
રિપોર્ટમાં ૫૦ વર્ષથી ઉપરના વ્યક્તિઓ માટે પણ સ્કિલ ડેવલોપમેન્ટની વાત પણ કહેવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એવી નીતિઓ બનાવવી જોઈએ જેનાથી કૌશલ્ય વિકાસ કરી શકાય. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્રો, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો, રેફ્યૂજી, પ્રવાસીઓને પણ સામેલ કરવા જોઈએ, જેની પાસે ટ્રેનિંગ હાસિલ કરવાના સાધન નથી, પરંતુ તેનું ટ્રેન્ડ થવું જરૂરી છે.તમને જણાવી દઈએ કે વર્લ્‌ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ ૨૦૧૯ મુજબ ભારતમાં વર્ષ ૨૦૫૦ સુધીમાં લગભગ ૩૨ કરોડ વરિષ્ઠ નાગરિકો હશે. એટલે કે દેશની લગભગ ૧૯.૫ ટકા વસ્તી નિવૃત્તની શ્રેણીમાં જશે. વર્ષ ૨૦૧૯ માં, ભારતની લગભગ ૧૦ ટકા વસ્તી અથવા ૧૪૦ મિલિયન લોકો વરિષ્ઠ નાગરિકોની શ્રેણીમાં છે.