અંબાણીને પછાડીને અદાણી એશિયાના સૌથી અમીર બન્યા

4

શેરબજારમાં અદાણી જૂથના શેરોમાં ભારે તેજી : બુધવારે આરઆઈએલના શેર્સમાં ૧.૭૨ ટકાનો ઘટાડો, અદાણી ગ્રુપની કંપનીઓના શેરમાં તેજી જોવા મળી
મુંબઈ, તા.૨૫
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડી એશિયાની સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેઓ ગ્રુપ માર્કેટ કેપના આધારે મુકેશ અંબાણીને પાછળ છોડતાં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી જૂન ૨૦૧૫થી સૌથી અમીર ભારતીયના પદ પર હતા. બુધવારે શેરબજારમાં અદાણી ગ્રુપના શેર્સમાં શાનદાર તેજી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડાને પગલે ગૌતમ અદાણી એશિયાના નંબર વન અમીર બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ મુજબ, મંગળવાર (૨૩ નવેમ્બર) સુધી મુકેશ અંબાણીની કુલ સંપત્તિ ૯૧૦૦ કરોડ ડોલર હતી, જ્યારે અદાણીની કુલ સંપત્તિ ૮૮૮૦ કરોડ ડોલર હતી, જે અંબાણી કરતા ૨.૪ ટકા ઓછી હતી. જોકે, બુધવારે આરઆઈએલના શેર્સમાં ૧.૭૨ ટકાનો ઘટાડો આવ્યો, જ્યારે અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં તેજી આવી, જેથી ગૌતમ અદાણી ટોચ પર પહોંચી ગયા. અદાણી એન્ટરપ્રાઈઝીસના શેરમાં ૨.૩૪ ટકા, અદાણી પોર્ટસ અને સ્પેશયલ ઈકોનોમિક ઝોનના શેર્સમાં ૪ ટકાની તેજી આવી. આજના વધારા સાથે આ બંને કંપનીઓનું માર્કેટ કેપ લગભગ ૩.૫ લાખ કરોડ રૂપિયા છે.રિપોર્ટ મુજબ, ગત ૨૦ મહિનામાં ગૌતમ અદાણીની કુલ સંપત્તિમાં ૧૮૦૮ ટકા એટલે કે ૮૩૮૯ કરોડ યુએસ ડોલરથી વધુનો વધારો થયો છે. આ ગાળામાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિમાં ૨૫૦ ટકા એટલે કે ૫૪.૭ અબજ ડોલરનો વધારો થયો.