વેટમાં ઘટાડો કરાતા દિલ્હીમાં પેટ્રોલ આઠ રૂપિયા સસ્તું થયું

103

દિલ્હી સરકાર દ્વારા પ્રજાને વધુ એક રાહત : દિલ્હી સરકારે પેટ્રોલ પર લાગતો વેટ ૧૯.૪૦ ટકા કર્યો
નવી દિલ્હી,તા.૧
દિલ્હી સરકારે જનતાને રાહત આપવા પેટ્રોલની કિંમતો ઘટાડી દીધી છે. બુધવારના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં વેટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કારમે પેટ્રોલ પ્રતિ લીટર ૮ રૂપિયા જેટલું સસ્તું થઈ ગયું છે. દિલ્હી સરકારે બેઠકમાં પેટ્રોલ પર લાગતો વેટ ૩૦ ટકા ઘટાડીને ૧૯.૪૦ ટકા કરી દીધો. આ સાથે જ આજ રાતથી પેટ્રોલની કિંમતોમાં ૮ રૂપિયાનો ઘટાડો લાગુ થઈ જશે. આજે અડધી રાતથી પેટ્રોલની નવી કિંમતો લાગુ થશે. આ વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં આગ લાગેલી હતી. અનેક દિવસો સુધી ફ્યુઅલની કિંમતોમાં વધારા બાદ આખરે દિવાળી વખતે કેન્દ્ર સરકારે જનતાને ભેટ આપી હતી. સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ૫ અને ૧૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યાર બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો હતો. કેન્દ્રના નિર્ણય બાદ મોટા ભાગના એનડીએ શાસિત રાજ્યોએ પણ પોતાના પ્રદેશમાં પેટ્રોલ-ડીઝલ પર લાગતો વેટ ઘટાડી દીધો હતો. થોડા દિવસો બાદ પંજાબ, રાજસ્થાન અને છત્તીસગઢની કોંગ્રેસ સરકારે પણ આવો નિર્ણય લઈને જનતાને રાહત આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલની કિંમતોના આધાર પર દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કરવામાં આવે છે. ફ્યુઅલ કંપનીઝ દરરોજ સવારે ૬ઃ૦૦ વાગ્યે ઈંધણની કિંમતો જાહેર કરે છે.

Previous article૧૫મીથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ નહીં કરવાનો નિર્ણય
Next articleસેન્સેક્સમાં ૬૧૯, નિફ્ટીમાં ૧૮૩ પોઈન્ટનો ઉછાળો