૧૫મીથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરૂ નહીં કરવાનો નિર્ણય

94

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા પોતાના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર આ અંગે માહિતી આપવામાં આવી : ૨૦૨૦થી ફ્લાઈટ બંધ
નવી દિલ્હી,તા.૧
આફ્રિકામાં દેખાયેલા કોરોનાના નવા અને ઝડપથી ફેલાતા વેરિયંટ ઓમિક્રોનને કારણે ભારતે ૧૫ ડિસેમ્બરથી નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ શરુ કરવાનું માંડી વાળ્યું છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) દ્વારા પોતાના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલ પર આ અંગે માહિતી આપવામાં આવી છે. દેશમાં ૨૦૨૦માં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારથી જ નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ બંધ છે. ડીજીસીએ દ્વારા જણાવાયું છે કે, નવો વેરિયંટ સામે આવ્યા બાદ હાલ જોવા મળી રહેલી વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ ઈન્ટરનેશનલ પેસેન્જર સર્વિસ શરુ કરવાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, યુરોપ સહિત દુનિયાના ઘણા દેશોએ આફ્રિકાથી આવતી ફ્લાઈટ્‌સ પર નિયંત્રણ મૂક્યા છે. ભારતમાં પણ આફ્રિકન દેશમાંથી આવતા લોકોને માટે સાત દિવસનું ક્વોરન્ટાઈન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હજુ ગયા સપ્તાહે જ ભારત સરકારે કોરોનાના નિયંત્રણો હળવા કરવાની કવાયતના ભાગ રુપે ૧૫ ડિસેમ્બરથી ઈન્ટરનેશનલ કોમર્શિયલ ફ્લાઈટ્‌સ શરુ કરવાની જાહેરાત કરી હતી. જોકે, આફ્રિકામાં ઓમિક્રોન વેરિયંટ દેખાતા જ આ નિર્ણયને સમીક્ષા હેઠળ મૂકવામાં આવ્યો હતો. ભારતમાં નિયમિત ઈન્ટરનેશનલ ફ્લાઈટ્‌સ ભલે બંધ હોય પરંતુ જુલાઈ ૨૦૨૦થી ૩૧ દેશો સાથે થયેલી સમજૂતી અનુસાર ખાસ ફ્લાઈટ્‌સ ચાલુ કરવામાં આવી છે.
ભારત સરકારના દાવા અનુસાર, દેશમાં હજુ સુધી ઓમિક્રોન વેરિયંટનો એકેય કન્ફર્મ કેસ નથી નોંધાયો. આફ્રિકાથી આવેલા કેટલાક પેસેન્જર્સ કોરોના પોઝિટિવ માલૂમ પડ્યા હતા, પરંતુ તેમને પણ આ વેરિયંટનો ચેપ ના લાગ્યાનું કન્ફર્મ થયું છે. બીજી તરફ, આ વેરિયંટ ભારતમાં ના ફેલાય તે માટે સરકાર સજાગ બની છે. દેશના તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આફ્રિકા અને અન્ય જોખમી દેશોમાંથી આવતી ફ્લાઈટ્‌સના મુસાફરોનું સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે. હાલના નિયમો અનુસાર, આફ્રિકાથી આવનારા પેસેન્જર્સ માટે એક સપ્તાહ સુધી ક્વોરન્ટાઈન થવું ફરજિયાત છે. ત્યારબાદ તે વ્યક્તિનો ટેસ્ટ કરવામાં આવશે. જો તે ટેસ્ટ નેગેટિવ હશે તો જ તે વ્યક્તિનો ક્વોરન્ટાઈન પિરિયડ સમાપ્ત થશે. પરંતુ જો ટેસ્ટ પોઝિટિવ આવ્યો તો તે વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે. ગુજરાતમાં પણ આવા કેટલાક વ્યક્તિને હાલ ક્વોરન્ટાઈન હેઠળ મૂકવામાં આવ્યા છે.

Previous articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૫૪ નવા કેસ નોંધાયા
Next articleવેટમાં ઘટાડો કરાતા દિલ્હીમાં પેટ્રોલ આઠ રૂપિયા સસ્તું થયું