ભાવનગરમાં કમોસમી વરસાદની સાથે પવનના સુસવાટા, પતરા અને બેનરો ઉડ્યા

47

ભાવનગર જિલ્લામાં અડધો ઇંચ સુધી વરસાદ વરસ્યો
ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભરશિયાળે વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લામાં બુધવારે મોડી રાત્રે પવન ફૂંકાવા સાથે હળવા વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. જેથી ઠંડીની તિવ્રતામાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત શહેરના અનેક વિસ્તારોમાં પતરાઓ, બેનરો ઉડ્યા હતા. લોકોએ મિશ્ર ઋતુના પગલે કામ વગરનું બહાર નીકળવાનું ટાળ્યું હતું. ઠંડીના જોરના કારણે લોકો રીતસર ધ્રુજી ઉઠ્યાં હતા. ભાવનગર શહેર તથા જિલ્લામાં બે દિવસથી શિયાળાની સીઝનમાં ચોમાસાનો ધોરી અષાઢ માસ શરૂ થયો હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. મંગળવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ વચ્ચે હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. ત્યારે બુધવારે મોડી રાત્રે વાવાઝોડા જેવો ટાઢોબોળ પવન ફૂંકાવાનો શરૂ થયો હતો. એ સાથે વરસાદ શરૂ થતાં ભારે ટાઢોડું છવાયું હતું. વરસાદની સાથે ઠંડી પડવાને લઈ રાત્રે લોકોને પંખા બંધ કરીને સુવાની ફરજ પડી હતી. તથા જાહેર માર્ગો પણ સુમસામ બન્યાં હતા. લોકો એ અનિવાર્ય સંજોગો સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું. છેલ્લા બે દિવસથી બેવડી ઋતુના એક સાથે અનુભવને પગલે જાહેર જીવનની રફતાર પણ મંદ પડી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હજુ આગામી 48 કલાક સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. જેમાં આજરોજ ભાવનગર શહેર-જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં સવાર સુધીના આંકડા જોઈએ તો, સિહોરમાં -13 MM, વલ્લભીપુરમાં – 11 MM, પાલીતાણામાં – 10 MM, ઉમરાળામાં – 7 MM, ગારીયાધારમાં – 7 MM, જેસરમાં – 6 MM, મહુવામાં – 5 MM, ભાવનગરમાં – 4 MM, ઘોઘામાં – 4 MM તથા તળાજામાં – 4 MM વરસાદ પડ્યો હતો. તેમજ હાલ પણ કેટલાક વિસ્તારોમાં ફરી ઝરમર વરસાદ શરૂ થયો છે.