પડકારો છતાં ભારત-રશિયાના સબંધો મજબૂત બન્યા : મોદી

15

૨૧મી વાર્ષિક ભારત-રશિયા સમિટ : રશિયન રાષ્ટ્રપતિ ભારતમાં : બંને દેશો વચ્ચેના સંબંધો આંતરરાજ્ય મિત્રતાનું અનોખું અને વિશ્વસનીય મોડલ
નવી દિલ્હી, તા.૬
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓ ૨૧મી વાર્ષિક ભારત-રશિયા સમિટમાં ભાગ લઈ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કોરોનાના કારણે ઉભા થયેલા પડકારો છતાં ભારત-રશિયા સંબંધોની વૃદ્ધિની ગતિમાં કોઈ ફેરફાર થયો નથી. અમારી વિશેષ અને વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની રહી છે.રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં પીએમ મોદીએ વધુમાં કહ્યું કે છેલ્લા કેટલાક દાયકાઓમાં વિશ્વએ ઘણા મૂળભૂત ફેરફારો જોયા છે અને વિવિધ પ્રકારના ભૌગોલિક-રાજકીય સમીકરણો સામે આવ્યા છે પરંતુ ભારત અને રશિયા વચ્ચે મિત્રતા અકબંધ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ખરેખર આંતરરાજ્ય મિત્રતાનું અનોખું અને વિશ્વસનીય મોડલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે ભારત-રશિયા વાર્ષિક સંમેલન પછી બંને દેશો ઘોષણાપત્રના સંકેતો જાહેર કરશે. અફઘાનિસ્તાન પર સમિટ સ્તરે ભારતને રશિયા તરફથી સમર્થન મળવાની શક્યતા છે. તાજેતરમાં જ ભારતે સીરિયા મુદ્દે રશિયાને મોટું સમર્થન આપ્યું છે.
આ પહેલા ભારત અને રશિયા વચ્ચે દ્વીપક્ષીય મંત્રી સ્તરીય મંત્રણા થઈ હતી, જેમાં બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ અને વિદેશ મંત્રીઓએ ભાગ લીધો હતો.
ભારત-રશિયા વચ્ચે એકે-૨૦૩ રાઈફલ માટે કરાર
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ૦૬ ડિસેમ્બરના રોજ ભારતની મુલાકાત પહેલા જ રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ પણ ભારત પહોંચી ચુક્યા છે. બંને મંત્રીઓએ પોતાના સમકક્ષ ડો. એસ જયશંકર અને રાજનાથ સિંહની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ હવે બેઠકોનો દોર ચાલુ થઈ ગયો છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુ વચ્ચે આજે નવી દિલ્હી ખાતે બેઠક યોજાઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ ભારત અને રશિયા વચ્ચે થયેલી સમજૂતીઓ પર હસ્તાક્ષર કર્યા હતા. તે અંતર્ગત ભારત-રૂસ રાઈફલ્સ પ્રાઈવેટ લિમિટેડના માધ્યમથી ૬,૦૧,૪૨૭ જેટલી ૭.૬૩ટ૩૯ મિમી અસોલ્ટ રાઈફલ એકે-૨૦૩ની ખરીદી માટે કરાર, ૨૦૨૧-૨૦૩૧થી સૈન્ય-તકનીકી સહયોગ માટે કાર્યક્રમ જેવી સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. આ બેઠક દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, ઉભરતી ભૂ-રાજકીય પરિસ્થિતિઓમાં આજે વાર્ષિક ભારત-રૂસ શિખર સંમેલન ફરી એક વખત આપણા દેશો વચ્ચે વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીના મહત્વપૂર્ણ મહત્વની પૃષ્ટિ કરે છે. રાજનાથ સિંહે જણાવ્યું કે, સંરક્ષણ સહયોગ આપણી ભાગીદારીના સૌથી મહત્વપૂર્ણ સ્તંભોમાંથી એક છે. મને આશા છે કે, ભારત-રૂસ ભાગીદારી સમગ્ર ક્ષેત્રમાં શાંતિ લાવશે અને ક્ષેત્રને સ્થિરતા પ્રદાન કરશે. વધુમાં જણાવ્યું કે, ભારત અને રશિયાના સંબંધ બહુપક્ષવાદ, વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ, આંતરિક સમજણ અને વિશ્વાસમાં એક સામાન્ય હિતના આધાર પર આધારીત છે. બેઠક દરમિયાન રશિયાના સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઈગુએ જણાવ્યું કે, આપણા દેશોના સંબંધ માટે આ સમયે સૈન્ય અને તકનીકી ક્ષેત્રમાં ભારત-રૂસનો સહયોગ વિશેષરૂપે મહત્વપૂર્ણ છે.