બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ જીવતા હતા

6

મુરલીએ જણાવ્યું કે જેવા અમે તેમને બહાર કાઢ્યા, તેમણે રક્ષાકર્મીઓ સાથે હિન્દીમાં ધીમા અવાજે વાત કરી હતી
નવી દિલ્હી, તા.૯
તમિલનાડુમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા સીડીએસ જનરલ બિપિન રાવત હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ પણ જીવતા હોવાનું રિપોર્ટ્‌સમાં સામે આવી રહ્યું છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે i-17V5ના કાટમાળમાંથી તેમને બહાર કાઢવામાં આવ્યા ત્યારે તેમણે પોતાનું નામ પણ જણાવ્યું હતું. આ જાણકારી બચાવ કામગીરીમાં જોડાયેલા એક સભ્યએ જણાવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જનરલ રાવત સાથે અન્ય હેલિકોપ્ટરમાં સવાર વ્યક્તિને પણ બહાર કાઢવામાં આવી હતી. આ પછી તેમની ઓળખ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ તરીકે થઈ હતી. ગ્રુપ કેપ્ટન આ ઘટનામાં જીવતા બચેલા એકમાત્ર વ્યક્તિ છે. તેમની હજુ સારવાર ચાલી રહી છે. દુર્ઘટના પછી ઘટના સ્થળ પર પહોંચેલા વરિષ્ઠ ફાયરમેન અનેન બચાવકર્મી એનસી મુરલીએ જણાવ્યું કે અમે બે લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. જેમાંથી એક સીડીએસ રાવત હતા. મુરલીએ જણાવ્યું કે જેવા અમે તેમને બહાર કાઢ્યા, તેમણે રક્ષાકર્મીઓ સાથે હિન્દીમાં ધીમા અવાજે વાત કરી હતી અને પોતાનું નામ જણાવ્યું હતું. હોસ્પિટલ લઈ જતી વખતે તેમનું મોત થઈ ગયું હતું. મુરલીના જણાવ્યા પ્રમાણે તેઓ જે બીજી વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાયા તેમની તાત્કાલિક ઓળખ નહોતી કરી શક્યા અને તેમની સારવાર ચાલી રહી છે. મુરલીએ કહ્યું કે જનરલ રાવતે જણાવ્યું કે તેમના શરીરના નીચેના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. આ પછી તેમને ચાદરમાં લપેટીને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા હતા. બચાવકર્મીઓને આ વિસ્તારમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અહીં આગ ઓલવવા માટેના સાધનને લઈ જવા માટે કોઈ રસ્તો નહોતો. મુરલીએ કહ્યું કે અમે નજીકના ઘરોમાંથી વાસણમાં પાણી લાવી રહ્યા હતા. ઓપરેશન એટલું મુશ્કેલ હતું કે અમારે લોકોને બચાવવા અને મૃતદેહોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરના તિક્ષ્ણ ટૂકડાઓને અલગ કરવા પડ્યા હતા. મુરલીએ જણાવ્યું કે બચાવ કામગીરીમાં એક તૂટી પડેલું ઝાડ અડચણરુપ બન્યું હતું. તેને કાપવું પડ્યું હતું. આ બધાના કારણે અમારી બચાવ કામગીરીમાં મોડું થયું. તેમણે કહ્યું કે ૧૨ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા, બન્નેને ગંભીર ઈજાઓ થઈ હતી. આ પછી વાયુસેનાના જવાનો પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા. તેઓની ટીમ હેલિકોપ્ટરના કાટમાળના ભાગ સુધી લઈ ગયા. સિનિયર ફાયરમેને કહ્યું કે કાટમાળની વચ્ચે હથિયાર પડ્યા હતા. માટે અમારે ઓપરેશન દરમિયાન વધારે સાવધાની રાખવાની જરુર પડી હતી.