દેશમાં જથ્થાબંધ મોંઘવારી ૧૨ વર્ષમાં સૌથી ઊંચી સપાટી પર

14

હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ ૧૨.૫૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થયો : ખાવા પીવાની વસ્તુઓનો મોંઘવારી દર નવેમ્બર મહિનામાં ૩.૦૬ ટકાથી વધીને ૬.૭૦ ટકા નોંધાયો
નવી દિલ્હી, તા.૧૪
દેશમાં મોંઘવારી વધી રહી છે અને હવે જથ્થાબંધ મોંઘવારી દર એટલે કે હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ ૧૨.૫૪ ટકાથી વધીને ૧૪.૨ ટકા થઈ ગયો છે. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે દેશમાં મોંઘવારીનો આંકડો ૧૨ વર્ષમાં સૌથી ઉપરની સપાટીએ પહોંચ્યો છે.પેટ્રોલ ડિઝલ તેમજ વીજળીના ભાવમાં થઈ રહેલા વધારાના કારણે મોંઘવારી વધી રહી છે. મંગળવારે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે ખાવા પીવાની વસ્તુઓનો મોંઘવારી દર નવેમ્બર મહિનામાં ૩.૦૬ ટકાથી વધીને ૬.૭૦ ટકા નોંધાયો છે.જ્યારે ફ્યુલ અને પાવર સેકટરની મોંઘવારી ૩૭.૧૮ ટકાથી વધીને ૩૯.૧૮ ટકા થઈ ગઈ છે.ઈંડા અને મીટનો હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ ૧.૯૮ ટકાથી વધીને ૯.૬૬ ટકા પર પહોંચ્યો છે. બટાકાનો જ્થ્થાબંધ મોંઘવારી દર માઈનસ ૫૧.૩૨ ટકાથી વધીને ૪૯.૫૪ ટકા તેમજ શાકભાજીનો મોંઘવારી દર માઈનસ ૧૮.૪૯ ટકાથી વધીને ૩. ૯૧ ટકા થયો છે.દૂધના મોંઘવારી દરમાં ૧.૬૮ ટકાથી ૧.૮૧ ટકાનો વધારો થયો છે. જોકે મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટસની કિંમતોમાં ઘટાડો આવ્યો છે.તેનો મોંઘવારી દર ૧૨.૦૪ ટકાથી ઘટીને ૧૧.૯૨ ટકા થયો છે,ખાવાના તેલનો મોંઘવારી દર ૩૨.૫૭ ટકાથી ઘટીને ૨૩.૧૬ ટકા થયો છે. ડુંગળીનો મોંઘવારી દર પણ માઈનસ ૩૦.૧૪ ટકાથી ઘટીને માઈનસ ૨૫.૦૧ ટકા થયો છે. આ મોંઘવારી દર જથ્થાબંધ બજારમાં ચાલતા ભાવના આધારે નક્કી થાય છે.