ભારતીય સેનાની કાર્યવાહી, એક આતંકીનો ખાતમો

13

શ્રીનગર આતંકી હુમલા બાદ કાર્યવાહી : સુરક્ષાદળોને ઈનપુટ મળ્યું હતું કે પૂંછમાં ૨થી ૩ આતંકીઓ છૂપાયેલા છે, હુમલામાં ૩ જવાન શહીદ થયા
શ્રીનગર, તા.૧૪
જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં ભારતીય સેનાની આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી ચાલુ છે. સેનાને આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. એક આતંકી માર્યો ગયો હોવાના સમાચાર છે. અત્રે જણાવવાનું કે શ્રીનગરમાં ગત રાતે આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. જેમાં ૩ પોલીસકર્મીઓ શહીદ થયા અને ૧૧ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જે હાલ સારવાર હેઠળ છે. આતંકી હુમલામાં ઘાયલ થયેલો ત્રીજો જવાન રમીઝ અહેમદ આજે સવારે શહીદ થયો. સારવાર દરમિયાન તેનું નિધન થયું. આતંકી હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. શ્રીનગરમાં થયેલા આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી છે. જૈશ એ મોહમ્મદ અને કાશ્મીર ટાઈગર્સે મળીને આ હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ બાજુ પૂંછમાં સુરક્ષાદળોએ આતંકીઓને ચારેબાજુથી ઘેરી લીધા છે. બંને બાજુથી ખુબ ફાયરિંગ થઈ રહ્યું છે. આતંકીઓનું બચવું હવે અશક્ય છે. ૧૬ રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસઓજીની ટીમ મળીને આતંકીઓ વિરુદ્ધ આ જોઈન્ટ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષાદળોને ઈનપુટ મળ્યું હતું કે પૂંછમાં ૨થી ૩ આતંકીઓ છૂપાયેલા છે. નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં એકવાર ફરીથી આતંકીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો અને શ્રીનગરમાં સુરક્ષાદળોની એક બસને નિશાન બનાવી. આ હુમલામાં ૩ જવાન શહીદ થયા જેમાં એક છજીૈં અને બે કોન્સ્ટેબલ સામેલ છે. જ્યારે ૧૧ જવાન ઘાયલ છે. આતંકીઓએ શ્રીનગરના જેવાન પંથા ચોક વિસ્તાર પાસે પોલીસની બસ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ હુમલો સોમવારે સાંજે લગભગ ૬ વાગે થયો. પોલીસના ૨૫ જવાન જ્યારે ડ્યૂટી પૂરી કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની બસ પર ત્રણ આતંકીઓએ ફાયરિંગ કર્યું. જવાબી કાર્યવાહીમાં એક આતંકીને પણ ગોળી વાગી પરંતુ ત્રણેય આતંકી ભાગવામાં સફળ રહ્યા. આતંકી હુમલામાં ઘાયલ પોલીસ જવાનોને તરત સારવાર માટે ખસેડવામાં આવ્યા. સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને આતંકીઓની શોધ થઈ રહી છે.