મોહમ્મદ રિયાઝે ટી૨૦માં વર્ષમાં ૨૦૩૬ રન કર્યા

14

નવી દિલ્હી, તા.૧૭
વર્લ્ડ ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી કરતાં પણ એક ખતરનાક બેટ્‌સમેન આવ્યો છે, જે હાલમાં દરેક મોટા વર્લ્ડ રેકોર્ડને તોડી રહ્યો છે. પાકિસ્તાનના બેટ્‌સમેન મોહમ્મદ રિઝવાને ટી૨૦ ક્રિકેટમાં એક મોટો વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો છે, જેને આજ સુધી વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બેટ્‌સમેન પણ બનાવી શક્યા નથી. મોહમ્મદ રિઝવાને ૨૦૨૧ કેલેન્ડર વર્ષમાં ૨૦૩૬ ટી૨૦ રન બનાવ્યા છે. વર્લ્ડ ક્રિકેટમાં આ પહેલા કોઈ બેટ્‌સમેન આટલી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો નથી. મોહમ્મદ રિઝવાન એક કેલેન્ડર વર્ષમાં ૨૦૦૦ ટી૨૦ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્‌સમેન છે. પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્‌સમેન મોહમ્મદ રિઝવાને આ વર્ષે ૪૮ ટી૨૦ મેચમાં ૫૬.૫૫ની એવરેજથી ૨૦૩૬ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે તેના બેટ વડે એક સદી અને ૧૮ ફીફ્ટી ફટકારી છે. મોહમ્મદ રિઝવાને ગુરુવારે વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ૫૧મો રન પૂરો કરતાની સાથે જ આ મોટો વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો હતો.
પાકિસ્તાને આ મેચ ૭ વિકેટથી જીતીને વેસ્ટ ઈન્ડિઝને ત્રણ મેચની ટી૨૦ ઈન્ટરનેશનલ સીરીઝમાં ૩-૦થી સૂપડા સાફ કરી દીધા હતા. પાકિસ્તાનની જીતમાં મોહમ્મદ રિઝવાને ફરી એકવાર શાનદાર પ્રદર્શન કર્યું અને ૮૭ રનની શાનદાર ઇનિંગ રમી. મોહમ્મદ રિઝવાન પછી બીજા નંબર પર બાબર આઝમનું નામ આવે છે. બાબર આઝમે ૨૦૨૧માં ૪૬ ટી૨૦ મેચમાં ૪૮.૦૮ની એવરેજ સાથે ૧૭૭૯ રન બનાવ્યા હતા. આ દરમિયાન બાબરના બેટ વડે બે સદી અને ૧૮ ફીફ્ટી ફટકારવામાં આવી છે. એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ ટી૨૦ રન બનાવવાના મામલે વેસ્ટ ઈન્ડિઝનો બેટ્‌સમેન ક્રિસ ગેલ ત્રીજા નંબર પર છે. ૨૦૧૫ માં ક્રિસ ગેલે ૩૬ ટી૨૦ માં ૫૯.૪૬ ની એવરેજ સાથે ૧૬૬૫ રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને દસ ફીફ્ટીનો સમાવેશ થાય છે. મોહમ્મદ રિઝવાને આ વર્ષે ૨૯ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચોમાં ૭૩.૬૬ની એવરેજ અને ૧૩૪.૮૯ની સ્ટ્રાઈક રેટ સાથે ૧૩૨૬ રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને ૧૨ ફીફ્ટી ફટકારી હતી. ટી૨૦ ઈન્ટરનેશનલમાં એક કેલેન્ડર વર્ષમાં ૧૦૦૦ રન બનાવનાર મોહમંદ રિઝવાન પ્રથમ બેટ્‌સમેન છે. ગુરુવારે રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટી૨૦ ઈન્ટરનેશનલ સિરીઝની છેલ્લી મેચમાં બાબર અને રિઝવાને પાંચમી વખત પ્રથમ વિકેટ માટે ૧૦૦થી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત-ધવન અને રોહિત-રાહુલની જોડીએ ચાર વાર આમ કરી ચૂકી છે. આ સાથે મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે મળીને ટી૨૦ ઈન્ટરનેશનલમાં આ વર્લ્‌ડ રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે. આ જોડીએ રોહિત શર્મા-શિખર ધવન અને રોહિત શર્મા-કેએલ રાહુલની જોડીનો વર્લ્‌ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. ટી૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રથમ વિકેટ માટે સૌથી વધુ સદીની ભાગીદારી કરવાનો વર્લ્‌ડ રેકોર્ડ હવે એકલા બાબર અને રિઝવાનના નામે છે, પહેલાં આ ત્રણેય જોડી સંયુક્ત રીતે નંબર વન પર હતી. પાકિસ્તાનને ૨૦૮ રનનો ટાર્ગેટ મળ્યો હતો. રિઝવાને ૪૫ બોલમાં ૧૦ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી ૮૭ રન બનાવ્યા જ્યારે બાબરે ૫૩ બોલમાં ૭૯ રન બનાવ્યા જેમાં ૯ ચોગ્ગા અને ૨ છગ્ગાનો સમાવેશ થાય છે. બંનેએ પ્રથમ વિકેટ માટે ૧૫૮ રનની ભાગીદારી નોંધાવી હતી, કારણ કે પાકિસ્તાને લક્ષ્યનો પીછો કરવા માટે સાત બોલ બાકી રહીને ત્રણ વિકેટ ગુમાવી હતી. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે ત્રણ વિકેટે ૨૦૭ રન બનાવ્યા હતા. તેના માટે કેપ્ટન નિકોલસ પૂરણે ૩૭ બોલમાં બે ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૬૪ રન બનાવ્યા હતા. તેના સિવાય શમાર્થ બ્રુક્સે ૪૯, બ્રેન્ડન કિંગે ૪૩ અને ડેરેન બ્રાવોએ અણનમ ૩૪ રનનું યોગદાન આપ્યું હતું.