ગૌરી ખાન પ્રથમ વખત સોશિયલ મીડિયા પર દેખાઈ

22

મુંબઈ, તા.૧૭
ડ્રગ્સ કેસમાં પુત્ર આર્યન ખાનને જામીન મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. પરંતુ માતા ગૌરી ખાન આ ઘટનાના ઘણા સપ્તાહ બાદ પ્રથમ વખત સોશિયલ મીડિયા પર જોવા મળી. ૨ ઓક્ટોબરે એનસીબી દ્વારા મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રુઝ પરથી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણ સપ્તાહ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. અંતે ૩૦ ઓક્ટોબરે તે મુંબઈની આર્થર રોડ જેલમાંથી મુક્ત થયો હતો. આ સમગ્ર ઘટના દરમિયાન શાહરૂખ ખાન કે પત્ની ગૌરી ખાને કોઈ જ નિવેદન આપ્યું ન હતું અને ત્યારપછી પણ કોઈ નિવેદન આપ્યું નથી. શાહરૂખ અને ગૌરી બંને પોતાનું પ્રોફેશનલ કામ શરૂ પણ કરી દીધું. પરંતુ લાંબા સમય બાદ ગૌરી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર પ્રથમ પોસ્ટ મૂકી છે. ગૌરી ખાને ડિઝાઈનર્સ ફાલ્ગુની અને શેન પીકોક સાથે કોલાબોરેશન કર્યું છે. તેણે એક વીડિયો અપલોડ કરતા કેપ્શન લખ્યું હતું કે, હૈદરાબાદમાં ફાલ્ગુની એન્ડ શેન પીકોકના નવા સ્ટોર ખાતે જ્યાં ડિઝાઈન અને ફેશનનો સંગમ થાય છે ત્યાં ફાલ્ગુની પીકોક, શેન પીકોક અને તનાઝ સાથે. નવી ડિઝાઈન, નવું શહેર, એ જ ટીમ. હું આને લઈને ઘણી ઉત્સાહિત છું. વધુ વિગતો શેર કરવા માટે રાહ જોઈ શકતી નથી. ગૌરી ખાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા ફિલ્મમેકર અને સિનેમેટોગ્રાફર ફરાહ ખાને લખ્યું હતું કે કામ પર પરત ફરતી જોઈને હું ઘણી ખુશ છું. નોંધનીય છે કે ફરાહ ખાન શાહરૂખ ખાનની ઘણી ગાઢ મિત્ર છે. ચાહકોએ પણ ગૌરી ખાનને આવકારી હતી. એક યુઝરે લખ્યું હતું કે, તમને પાછા જોઈને હું ઘણો ખુશ છું અને આજે તમે નવી પોસ્ટ કરી છે. મને આશા છે કે તમે હંમેશા ખુશ અને સ્વસ્થ હશો. અન્ય એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, તમને ફરીથી જોઈને ખુશ છું. આશા છે કે કપરા સમયમાં તમારો પરિવાર વધુ મજબૂત બન્યો હશે. નોંધનીય છે કે તાજેતરમાં જ આર્યન ખાને બોમ્બે હાઈકોર્ટને અપીલ કરી હતી કે દર શુક્રવારે મુંબઈમાં એનસીબીની ઓફિસમાં હાજર થવામાંથી મુક્તિ આપે. બોમ્બે હાઈકોર્ટે પણ તેની અપીલને માન્ય રાખીને તેને રાહત આપી હતી.