આલિયાએ પૂરું કર્યું હોલિવુડ ડેબ્યૂ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોન શૂટિંગ

5

મુંબઈ, તા.૯
એક્ટ્રેસ આલિયા ભટ્ટએ પોતાની ડેબ્યૂ હોલિવુડ ફિલ્મ ’હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ હોલિવુડ એક્ટર્સ ગેલ ગડોટ અને જેમી ડોર્નન સાથે જોવા મળશે. ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ સ્પાય થ્રિલરને ટોમ હાર્પરે ડાયરેક્ટ કરી છે. શુક્રવારે આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરીને પોતાના ભાગનું શૂટિંગ પૂરું કર્યું હોવાની માહિતી આપી હતી. આ તસવીરોમાં આલિયા સાથે ગેલ ગડોટ અને ફિલ્મની બાકીની ટીમ દેખાઈ રહી છે. આ સાથે જ આલિયાએ એક્શન ફિલ્મમાં તેનો લૂક કેવો હશે તે બતાવ્યું છે. આલિયાએ આ તસવીરો શેર કરતાં લખ્યું, હાર્ટ ઓફ સ્ટોન- તારી પાસે મારું દિલ છે. સુંદર ગેલ ગડોટ, મારા ડાયરેક્ટર ટોમ હાર્પર અને આખી ટીમનો અવિસ્મરણીય અનુભવ આપવા માટે આભાર. મને જે પ્રેમ અને કાળજી મળી તેના માટે હંમેશા કૃતજ્ઞ રહીશ. જેમી તને મિસ કર્યો. હવે હું રાહ જોઈ રહી છું કે તમે સૌ આ ફિલ્મ જુઓ. પરંતુ અત્યારે તો. હું ઘરે આવી રહી છું? એક ફોટોમાં આલિયા ગેલ ગડોટને આલિંગન આપતી, તો બીજી તસવીરમાં ફિલ્મનો એક સીન ભજવી રહેલી, ત્રીજી તસવીરમાં ફિલ્મની ક્રૂ સાથે જોવા મળી રહી છે. આલિયાની આ પોસ્ટ પર ગેલ ગડોટે કોમેન્ટ કરતાં લખ્યું, ’અમે તને અત્યારથી જ મિસ કરી રહ્યા છીએ. ગેલ ગડોટે પણ આલિયાના શૂટિંગના છેલ્લા દિવસે તેની સાથેની તસવીર શેર કરતાં તેના વખાણ કર્યા હતા. ગેલે લખ્યું, “મારી ગર્લ આલિયા ભટ્ટને પ્રેમઆ આપો. તેણે હાર્ટ ઓફ સ્ટોનનું શૂટિંગ આજે પૂરું કર્યું છે. અદ્ભૂત ટેલેન્ટ છે તેનામાં અને ખૂબ સારી વ્યક્તિ છે.” આલિયાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ફોટો રિ-શેર કરતાં લખ્યું, ’તમારો આભાર. મહત્વનું છે કે, આલિયા ભટ્ટ મે મહિનાના મધ્યમાં હોલિવુડ ફિલ્મના શૂટિંગ માટે લંડન ગઈ હતી. હાલમાં તેણે પોર્ટુગલમાં તેના ભાગનું શૂટિંગ પૂરું કર્યું છે. લગભગ પોણા બે મહિના જેટલો સમય ઘરેથી દૂર રહ્યા બાદ પ્રેગ્નેન્ટ આલિયા ભટ્ટ ભારત પાછી આવી રહી છે. ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાની ખુશી તો આલિયા ભટ્ટને છે જ પણ સાથે ઘરે આવવાનો ઉત્સાહ પણ છે. જે તેની પોસ્ટ દ્વારા છતો થાય છે. જણાવી દઈએ કે, જૂન મહિનામાં જ આલિયાએ પહેલી પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર સાથે ફિલ્મ ’બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. અયાન મુખર્જીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સપ્ટેમ્બર ૨૦૨૨માં રિલીઝ થઈ રહી છે. આ સિવાય આલિયા ’ડાર્લિંગ્સ’, ’રોકી ઔર રાની કી પ્રેમકહાની’ અને ’જી લે ઝરા’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Previous articleરેડક્રોસમાં હવે દરરોજ દાંતના રોગોની રાહતદરે સેવા મળશે
Next articleટી૨૦માં સુકાની તરીકે ૧૦૦૦ રન પૂરો કરનારો રોહિત ત્રીજો ભારતીય