દેલવાડા ગ્રામ પં.ની ચૂંટણીમાં સાસુ – વહુ સામ સામી જામશે ખરાખરીનો જંગ

29

અમદાવાદ, તા.૧૭
ગુજરાતમાં આગામી ૧૯મી તારીખે ૮ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ગીર સોમનાથની દેલવાડા ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ રસપ્રદ બની રહેશે. કારણ કે, અહીં સાસુ અને પુત્રવધૂ વચ્ચે જ ટક્કર થવાની છે. દેલવાડા ગ્રામ પંચાયતમાં પોતાની પેનલ વિજેતા થાય તે માટે એક તરફ વિધવા માતા જોર લગાવી રહ્યા છે. તો બીજી તરફ પુત્ર અને પુત્રવધૂ પણ પોતાની પેનલને જીતાડવા માટે દિવસ રાત એક કરી રહ્યા છે. ત્યારે સાસુ અને પુત્રવધૂ વચ્ચેની ટક્કરમાં કોની જીત થશે તે જોવું રસપ્રદ બની રહેશે. ૧૫ હજારથી વધુ વસતી ધરાવતી દેલવાડા ગ્રામ પંચાયત એ ગીર સોમનાથ જિલ્લાની સૌથી મોટી પૈકીની એક ગ્રામ પંચાયત છે. આગામી ચૂંટણી માટે ગ્રામ પંચાયતમાં મહિલા અનામત છે. જેથી પૂર્વ સરપંચ જીવીબેન બાંભણીયાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવેલી છે. તો તેની સામે ગત ટર્મમાં સરપંચ પદે રહેલ તેમના પુત્ર વિજય બાંભણિયાએ તેના પત્ની પૂજાબેનને ઉમેદવાર બનાવ્યા છે. વિઘવા માતાની પેનલ સામે પુત્રએ પત્નીને સરપંચ પદના ઉમેદવાર બનાવી પેનલ બનાવતા દેલવાડાનો ચૂંટણી જંગ ચર્ચાસ્પદ અને રસપ્રદ બન્યો છે.