સ્વ. ધ્રુવરાજસિંહ ચૌહાણના મોક્ષાર્થે, વલ્લભીપુરના કાનપરમાં કાલથી ભાગવત સપ્તાહનો પ્રારંભ

60

ભીખુદાન ગઢવી, માયાભાઈ આહિર, રાજભા ગઢવી, શૈલેષ મહારાજ સહિતના કલાકારો રેલાવશે સૂરીલી સંતવાણી
વલ્લભીપુર: સ્વ. ધ્રુવરાજસિંહ મયુરસિંહ ચૌહાણના મોક્ષાર્થે આવતીકાલે રવિવારથી જે.કે. હોટલ કાનપર ખાતે પ.પૂ સત્ શ્રી (સંસ્કૃતાચાર્ય)ના વક્તા પદે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ દરમ્યાન સૂરીલી સંતવાણીમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો ભક્તિરસનું અલૌકિક વાતાવરણ ખડું કરશે. રવિવારે સવારે 8 કલાકે બાલા હનુમાનજી આશ્રમથી પોથીયાત્રા નીકળીને કથા સ્થળે પહોંચશે. સોમવારે નૃશીંહ પ્રાગટય, વામન જન્મોત્સવ, મંગળવારે રામ જન્મોત્સવ, બુધવારે કૃષ્ણ જન્મોત્સવ, શુક્રવારે રૂક્ષ્મણી વિવાહ ઉજવાશે. જ્યારે ૨૦. ડિસેમ્બર ને સોમવારે રાત્રે ૮:૩૦ વાગ્યે લોક સાહિત્યકાર રાજભા ગઢવી, ભજનનીક શૈલેષ મહારાજ, બુધવારે માયાભાઈ આહીર, ચીથરભાઈ પરમાર અને શુક્રવારે ભીખુદાન ગઢવી તથા ભજનીક બિરજુ બારોટ સંતવાણી રજૂ કરશે. સમગ્ર કથા તથા સંતવાણીનું યુ.ટ્યુબ ચેનલ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. સપ્તાહ દરમ્યાન પાળીયાદના વિમાસણબાપુની જગ્યાના મહંત નિર્મળાબા, આંબલા વાંકીયા હનુમાન આશ્રમના મહંત રવુબાપુ, શિહોર મોંઘીબા જગ્યાના મહંત જીણારામબાપુ, કાનપર બાલા હનુમાન આશ્રમના મહંત હરિઓમશરણદાસ બાપુ સાળંગપુર ધામના મહંત કોઠારી સ્વામિ વિવેક સાગરજી, વલ્લભીપુર વૈજનાથ મહાદેવના મહંત મુકુંદશરણદાસ બાપુ, અધેવાડા શિવકુંજ આશ્રમના મહંત સીતારામ બાપુ, અયોધ્યાપુરમ, નવાગામ ઢાળના બંધુ બેલડી મ.સા., જમરાળા ફક્કડનાથબાપાની જગ્યાના મહંત જયદેવદાસજી બાપુ અને બગદાણા ગુરુઆશ્રમના મનજીબાપા સહિતના સંતો ઉપસ્થિત રહેશે. ભગવદ્દ કથાના ભક્તિરસમાં તરબોળ થવા મયુરસિંહ ઉદયસિંહ ચૌહાણે ધર્મપ્રિય જનતાને નિમંત્રણ પાઠવ્યું છે.
અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર