પત્રકારો સાથે વાતચીતમાં સિધ્ધુથી ગાળ નીકળી ગઈ

24

અમૃતસર, તા.૧૭
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિધ્ધુ અને વિવાદ હવે એક બીજાના પર્યાય બની ગયા છે.સિધ્ધુએ હવે પત્રકારોની હાજરીમાં જ ગાળ બોલીને વિવાદ સર્જયો છે.સિધ્ધુ દ્વારા પત્રકારો સાથે રાજ્ય સરકાર દ્વારા વિતરણ કરવામાં આવી રહેલા લેબર કાર્ડ અંગે વાતચીત કરી રહ્યા હતા અને તે દરમિયાન તેમની જીભ લપસી હતી અને તેમના મોઢામાંથી અપશબ્દ નીકળી ગયો હતો.
આ વિડિયો પણ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.સિધ્ધુએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યુ હતુ કે, રાજ્યમાં જો કોંગ્રેસની વાપસી થશે તો શહેરી મજૂરોને રોજગારની ગેરંટી આપવામાં આવશે. મનરેગાના મોડેલની જેમ ગામડાઓની સાથે સાથે શહેરોમાં પણ રોજગારી આપવામાં આવશે. આ દરમિયાન એક સવાલનો જવાબ આપતા આપતા નવજોત સિધ્ધુએ કહ્યુ હતુ કે, અમારી સ્કીમ અર્બન ગેરંટીને લગતી છે અને આજ સુધી આવી ગેરંટી કોઈએ આપી છે..એ પછી સિધ્ધુ ગાળ બોલે છે અને આગળ વાત કરતા કરતા હસવા માંડે છે. સિધ્ધુ આગળ કહેતા સંભળાય છે કે, ૨૫ વર્ષમાં બધા પૈસાદારોની વાત કરતા આવ્યા છે પણ કોઈએ મજૂરોનો ઉલ્લેખ કર્યો નથી.પંજાબ મોડેલ હેઠળ હવે તેમનો ઉલ્લેખ કરવામાં આવશે.મજૂરો માટે અમારી સરકાર વેલફેર સ્કીમ લાવશે.