ભારતમાં ઓમિક્રોન ફેલાયો તો દરરોજ ૧૪ લાખ કેસ નોંધાશે

24

નીતિ આયોગના સભ્ય ડૉ વીકે પૉલે જણાવ્યું હતું કે, યુકેમાં ગુરુવારે ૮ હજાર કેસ નોંધાયા હતા, જો તેને વસ્તીના આધારે લેવામાં આવે તો ભારતની વસ્તી અનુસાર તે ૧૪ લાખ કેસ હોઈ શકે છે
નવી દિલ્હી,તા.૧૮
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો દિવસેને દિવસે વધી રહ્યો છે. જો હજુ પણ લોકોએ તેને ગંભીરતાથી નહીં લે અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરે તો દેશમાં સ્થિતિ ઝડપથી બગડી શકે છે. દરમિયાન, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૉલે ચેતવણી આપી હતી કે જો બ્રિટનની જેમ ભારતમાં પણ ઓમિક્રોન સંક્રમણ ફેલાશે તો દરરોજ ૧.૪ (૧૪ લાખ) મિલિયન કેસ નોંધાશે. તેમણે જણાવ્યું હતું કે યુરોપના દેશો ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા છે. આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે ત્યાં ઓછામાં ઓછા ૮૦ ટકા આંશિક રસીકરણ થઈ ગયું છે. ડૉ. વીકે પૉલે જણાવ્યું હતું કે, યુકેમાં ગુરુવારે લગભગ ૮ હજાર કેસ નોંધાયા હતા, જો તેને વસ્તીના આધારે લેવામાં આવે તો ભારતની વસ્તી અનુસાર તે ૧૪ લાખ કેસ હોઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે યુરોપમાં કોવિડ-૧૯ મહામારીના એક નવા ચરણનો અનુભવ કરી રહ્યું છે, જેમાં ૮૦ ટકા આંશિક રસીકરણ થઈ ગયા હોવા છતાં કેસોમાં મોટાપાયે વધારો થયો છે. નીતિ આયોગના સભ્ય ડૉ. પૉલે જણાવ્યું હતું કે એકંદર પરિસ્થિતિ સ્થિર છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં સંક્રમણનો દર વધી રહ્યો છે. અને જો જરૂરી હોય તો નિવારક પગલાં લાગુ કરવા જોઈએ. તમને જણાવી દઈએ કે દેશમાં ઓમિક્રોનની ઝડપી ગતિને જોતા કેન્દ્ર સરકારે લોકોને બિન-જરૂરી મુસાફરી અને સામૂહિક મેળાવડાથી દૂર રહેવાની સલાહ આપી છે. કર્ણાટકમાં પહેલો કેસ નોધાયાના ૧૫ દિવસ પછી ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓમિક્રોનના કેસની સંખ્યા વધીને ૧૧૧ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૪૦ અને દિલ્હીમાં હાલમાં ૨૨ છે. જ્યારે, આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે છેલ્લા ૨૦ દિવસથી કોરોના ચેપના દૈનિક કેસ ૧૦,૦૦૦ થી ઓછા છે, પરંતુ ઓમિક્રોન વેરિઅન્ટમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવાની જરૂર છે. બીજી તરફ, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે કોરોનાનું નવું સ્વરૂપ સમગ્ર યુરોપમાં અને વિશ્વના મોટાભાગના દેશોમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે, તેથી બિનજરૂરી મુસાફરી અને સામૂહિક મેળાવડા કરવા જોઈએ નહીં. તેમજ મોટા પાયે તહેવારોનું આયોજન થવુ જોઈએ નહી. તેમણે કહ્યું કે પાંચ ટકાથી વધુ કોવિડ સંક્રમણ દર ધરાવતા જિલ્લાઓએ નિવારક પગલાં સુનિશ્ચિત કરવાની જરૂર છે.