ભાવનગર શહેરના વડવા-બ ના કોર્પોરેટરો વચ્ચે ડખ્ખો થયો, મહિલા નગરસેવીકાએ નગરસેવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

42

મહિલા નગરસેવીકાને અપશબ્દો બોલી તેમજ ધમકી આપતા પોલીસ ફરિયાદ
ભાવનગર શહેરના વડવા-બ ના કોર્પોરેટરો વચ્ચે ડખ્ખો થયો હતો. શહેરના વડવા-બ વોર્ડમાં નગરસેવીકા તરીકે સેવારત ઉષાબેન કિશોરભાઈ ગોહેલે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નગરસેવક લક્ષ્મણ રાઠોડ તેના પુત્ર સહિત છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેને લઈ ભારે ચકચાર મચી છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના વડવા-બ વોર્ડમાં નગરસેવીકા તરીકે સેવારત અને વિઠ્ઠલવાડી વિસ્તારમાં સિંગલીયામા રહેતા ઉષાબેન કિશોરભાઈ ગોહેલે નગરસેવક લક્ષ્મણ રાઠોડ તેનો પુત્ર કરણ તથા દાનો સહિત છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવાયુ છે કે, તેઓ તથા કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ વિઠ્ઠલવાડી વિસ્તારમાં પેવરબ્લોક નાખવાનું કામ શરૂ હોવાથી ત્યાં હાજર હતા. આ દરમિયાન લક્ષ્મણ તેનો પુત્ર તથા તેના સાગરીતો ઘટના સ્થળે દોડી આવ્યાં હતા. તેઓએ કામ અટકાવી પેવરબ્લોક ઉખાડી ફેંકી અહીં બ્લોક નાંખવાના નથી તેમ જણાવી અપશબ્દો બોલ્યા હતી. તેમજ ધક્કે ચડાવી ઈંટ લઈ મારવા દોડ્યા હતા. આ ઉપરાંત ગર્ભીત ધમકી આપી હતી. આ અંગે એ-ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપ એ શિસ્તની પાર્ટી છે, બંને નગરસેવક વચ્ચે સમાધાન થઈ ગયું હતું, ઉષાબેને પોલીસ ફરિયાદ કરી છે. જોકે, પાર્ટી આગેવાનો સાથે બેઠક કરી બંને નગરસેવકોને ખુલાસા પૂછશે.