ગૌણ સેવાની હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરાઈ

95

ગૌણ સેવાની ૧૨ ડિસેમ્બરની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું : પેપર લીક કાંડમાં તમામ આરોપીની ધરપકડ થઈ ચુકી છે, ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાંની ખાતરી અપાઈ : માર્ચમાં પુનઃ પરીક્ષા
ગાંધીનગર, તા.૨૦
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ૧૨ ડિસેમ્બરના રોજ લેવામાં આવેલી હેડ કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રીએ પણ પેપરલીક થયું હોવાનો સ્વીકાર કર્યો હતો અને મંગળવારે ફરી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, પેપર લીક કાંડમાં તમામ આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તેમજ વિદ્યાર્થીઓના હિતમાં હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવે છે. આ પરીક્ષા માર્ચમાં ફરીથી લેવાશે. તેમણે એમ પણ જણાવ્યું કે, જો ગૌણ સેવા પસંદગી મંડળની ભૂલ હશે તો તેની સામે પણ પગલાં લેવામાં આવશે. ગમે તે અધિકારીની ભૂલ સામે આવશે તો તેની સામે પગલાં લેવામાં આવશે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું કે, પેપર લીક કાંડમાં સામેલ તમામ ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને આરોપીઓને સજા કરવા માટે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે અને તેમને એવી કડક સજા કરવામાં આવશે કે ભવિષ્યમાં ફૂટેલા પેપર કોઈ હાથમાં પણ નહીં પકડે. સંધવીએ વધુમાં જણાવ્યું કે, ૮૮ હજાર ઉમેદવારોએ હેડ કલાર્કની પરીક્ષા આપી હતી, જેથી તેમના હિતમાં આગામી માર્ચ મહિનામાં ફરીવાર હેડક્લાર્કની પરીક્ષા લેવાશે. નવી પદ્ધતિથી પરીક્ષા લઈ શકાય તે માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરાઈ છે. ૭૦ પરીક્ષાર્થીઓએ પેપર લીધા હતાં તેમને પણ છોડાશે નહીં. હવે એવી વ્યવસ્થા સાથે પરીક્ષા લેવાશે કે ગેરરીતિની કોઈ તક નહીં રહે. પેપર લેનારને એવી સજા કરાશે કે વર્ષો સુધી બહાર નહીં આવી શકે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ કલાર્ક પરીક્ષાના પેપર લીક કેસમાં ભાગેડુ આરોપી જયેશ પટેલની પોલીસે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ૨ પરીક્ષાર્થી પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને પરીક્ષાર્થી હિંમતનગરના હોવાનું સામે આવ્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩૨૬ નવા કેસ નોંધાયા