ભાવનગરમાં ટીપર વાનમાં પથ્થરો ભરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું

37

ભાજપના નગરસેવકે ટીપર વાન રોકી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટને જાણ કરતા કાર્યવાહી કરી
ભાવનગર શહેરના મોખડાજી સર્કલ વિસ્તારમાંથી તાજેતરમાં જ ઘોઘાસર્કલ વોર્ડનું ટીપર વાન પથ્થરો ભરી જતું હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને તેની સામે તંત્ર દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. ત્યાં આજે શહેરના રીંગરોડ પરથી વધુ એક ટીપર વાનમાં પથ્થરો ભરવાનું કૌભાંડ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વોર્ડ નં.11નું ટીપર વાન રીંગરોડ પર કચરાની બદલે બિલ્ડીંગ વેસ્ટના પથ્થરો ભરી જતું હોય જેની જાણ જાગૃત નાગરિકોને થતાં તેમણે નગરસેવકોને જણાવતા નગરસેવકો પહોંચી ગયા હતા અને તુરંત ટીપર વાન રોકી મહાપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગમાં જાણ કરતા કા.પા.ઇ. જે.એમ. સોમપુરા સહિત કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસ કરી હતી.

ટીપર વાનમાંથી બિલ્ડીંગ વેસ્ટના પથ્થરો મળી આવતા ટીપર વાન ડિટેઇન કરવામાં આવ્યું હતું અને અગાઉ કડક ચેતવણી આપવામાં આવી હોવા છતાં ફરી વખત પથ્થરો ભરવાનું કૌભાંડ કરાતા હવે ટીપર વાન એજન્સી સામે કડક પગલા ભરવામાં આવશે તેમ કાર્યપાલક ઇજનેર જે.એમ. સોમપુરાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે શહેરના કોઇપણ વોર્ડમાં આવી કામગીરી થતી હોય તો તુરંત તંત્રને જાણ કરવી જોઇએ જેથી આવા કૌભાંડને રોકી શકાય. હાલમાં ભાવનગર શહેરમાં ઓમ એજન્સીઓના 103 જેટલા ટીપર વાન ચાલે છે. જે શહેરના તમામ વિસ્તારોમાંથી કચરો એકઠો કરી કુંભારવાડા ડમ્પિંગ સ્ટેશન ખાતે ઠાલવે છે. જેને મહાનગરપાલિકા દ્વારા વજન મુજબ પૈસાની ચૂકવણી કરવામાં આવે છે. આ સિસ્ટમનો દુરઉપયોગ કરી એજન્સીઓ ટેમ્પલમાં વજન વધારવા પથ્થર અને રેતી સહિતનો કચરો લઈ જતી હોય છે. જે અંગે અનેકવાર ફરિયાદો ઉઠ્યા બાદ વિસ્તારના નગરસેવક દ્વારા આ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં ચાલતા ઓમ એજન્સીના ટીપર વાનને ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.