જી લે જરા માટે પ્રિયંકાએ મેકર્સ સામે મૂકી એક શરત

22

મુંબઈ,તા.૨૩
પ્રિયંકા ચોપરાએ બોલિવુડથી ફિલ્મોથી અંતર જાળવી લીધું છે. ૨૦૧૯માં તે ફિલ્મ ધ સ્કાય ઈઝ પિંકમાં જોવા મળી હતી અને હવે તે જી લે ઝરામાં કામ કરી રહી છે. લાંબા સમય બાદ હિંદી ફિલ્મને લઈને પ્રિયંકા ચોપરા ઉત્સાહિત છે. જેમાં તેની સાથે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ પણ લીડ રોલમાં છે. જી લે ઝરા ફિલ્મ માટે એક શરત પર હા પાડી હોવાનો ખુલાસો પ્રિયંકા ચોપરાએ કર્યો છે. ઈન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું હતું કે, તેણે ફિલ્મના ડિરેક્ટર ફરહાન અખ્તરને કહ્યું હતું કે તેને હિંદી બોલ્યાને ઘણો સમય થઈ ગયો છે અને તેથી તે ફિલ્મ કરવા માગે છે. આ સિવાય તેને ડાન્સ કરવો છે તેથી ફિલ્મમાં એક ડાન્સ પણ હોવો જોઈએ. પ્રિયંકા ચોપરાએ વધુમાં જણાવ્યું હતું કે, ફિલ્મનું શૂટિંગ હાલમાં શરૂ થવાનું નથી. કારણ કે, ફિલ્મની સ્ટોરી હજી લખાઈ રહી છે અને ચર્ચા થઈ રહી છે. તેણે કહ્યું હતું કે, રોડ ટ્રિપ પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ ૨૦૨૨ના અંતમાં શરૂ કરવામાં આવશે. ફિલ્મ જી લે ઝરાની સાથે ફરહાન અખ્તર ફરી એકવાર ડિરેક્શનની દુનિયામાં પરત ફરી રહ્યો છે. રિપોર્ટ્‌સ પ્રમાણે, ફરહાન પોતાની બહેન ઝોયા અખ્તર અને ડિરેક્ટર રીમા કાગતી સાથે મળીને ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી રહ્યો છે. પ્રિયંકાએ વાતચીતમાં કહ્યું હતું કે, હિંદી ડાયલોગ બોલી તેને તેમજ ડાન્સ કર્યો તેને ઘણો સમય થઈ ચૂક્યો છે. તેથી મેં ફરહાનને કહ્યું હતું કે, આ ફિલ્મમાં સોન્ગ પર મારે ડાન્સ કરવો છે. મળેલી માહિતી પ્રમાણે, આ ફિલ્મમાં જિંદગી ના મિલેગી દોબારાના એક્ટર્સ સ્પેશિયલ કેમિયો કરતા જોવા મળશે.