ગાયની વાતને કેટલાક ગુનો ગણાવે છે : મોદી

18

ગાયની મજાક ઉડાવનારા ભુલી જાય છે કે, દેશના આઠ કરોડ લોકોની આજીવીકા પશુધનથી ચાલે છે : વડાપ્રધાન
વારાણસી, તા.૨૩
ગુરુવારે ફરી એક વખત વારાણસી પહોંચેલા પીએમ મોદીએ ૮૭૦ કરોડના ૨૨ પ્રોજેકટનુ લોકાર્પણ કર્યુ હતુ અને બીજી ૧૨૨૫ કરોડની પાંચ યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આજનો દિવસ વારાણસીના ખેડૂતો તેમજ પશુપાલકો માટે મહત્વનો છે.તેમણે પૂર્વ પીએમ ચૌધરી ચરણસિંહને પણ યાદ કર્યા હતા.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આપણે ત્યાં ગાય અને છાણની વાત કરવાને પણ કેટલાક લોકોએ ગુનો બનાવી દીધો છે.તેમના માટે ગાયની વાત કરવી ગુનો હોઈ શકે છે પણ આપણા માટે તો માતા છે.ગાયની મજાક ઉડાવનારા ભુલી જાય છે કે, દેશના આઠ કરોડ લોકોની આજીવીકા પશુધનથી ચાલે છે.ભારત દર વર્ષે સાડા આઠ લાખ કરોડ રુપિયાના દુધનુ ઉત્પાદન કરે છે. તેમણે કહ્યુ હતુ કે, બનાસ ડેરીના પ્લાન્ટથી પૂર્વાંચલના ૬ જિલ્લાના લોકોને નોકરી મળશે અને પશુપાલકોને ફાયદો થશે.આજે યુપીના લાખો લોકોને તેમના ઘરના દસ્તાવેજ પણ આપવામાં આવ્યા છે.આજે જે નવી યોજનાઓ લોન્ચ કરાઈ છે તેનાથી વારાણસીની તસવીર બદલાઈ જશે.એક જમાનો હતો કે ,આપણા આંગણામાં બાંધેલા દુધાળા ઢોરની સંખ્યાના આધારે ઘરની સમૃધ્ધિ નક્કી થતી હતી. શાસ્ત્રોમાં પણ કહેવાયુ છે કે, ગાયો આપણી ચારે તરફ છે અને ભગવાન ગાયો વચ્ચે નિવાસ કરે છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પશુપાલકોને આ સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ સાથે જોડયા છે.ડેરી સેક્ટર માટે અલગ કમિશન બનાવ્યુ છે અને પશુઓની સારવાર ઘરે થાય તે માટે દેશવ્યાપી અભિયાન ચલાવ્યુ છે. સરકારે પશુઓને મફત રસી મુકવાની સુવિધા આપી છે. તેમણે કહ્યુ હતુ કે, યુપી આજે દેશનુ સૌથી મોટુ દુધ ઉત્પાદક રાજ્ય છે અને રાજ્યમાં ડેરી સેક્ટરના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે તેમ છે.૧૦ કરોડ નાના ખેડૂતો માટે પશુપાલન વધારાની આવકનુ સાધન બની શકે છે.ભારત પાસે ડેરી પ્રોડક્ટ માટે વિશ્વનુ મોટુ બજાર છે.મહિલાઓ માટે પશુપાલન આગળ વધવાનો અને સક્ષમ બનવાનો રસ્તો છે.
દરમિયાન સીએમ યોગીએ કહ્યુ હતુ કે, પીએમ મોદીની દુરંદેશી વગર અહીંયા બનાસ ડેરીનો પ્લાન્ટ સ્થપાયો ના હોત.પહેલા બજાર સમિતિઓ ખેડૂતોનુ શોષણ કરતી હતી અને હવે ખેડૂતોની પ્રગતિનો આધાર બની રહી છે.