શાળા, સિનેમાહોલ, જીમ બંધ, મેટ્રો પર પણ નિયંત્રણ

20

દિલ્હીમાં કોરોનો રાફડો ફાટ્યો હતો તેના કરતા આ વખતે ૧૦ ગણા વધુ તૈયાર થઈને બેઠા હોવાનો સીએમનો દાવો
નવી દિલ્હી, તા.૨૮
દિલ્હીમાં સતત ઓમિક્રોન કેસમાં વધારો થઈ રહ્યો છે, આવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં આજે વધુ નિયંત્રણો લાગુ કરવાની વાત કરી છે. સીએમ કેજરીવાલે જણાવ્યું છે કે, પાછલા કેટલાક દિવસોમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ ૦.૫%ને પાર કરી ગયો છે. જેના કારણે અમે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (જીઆરએડી)નું લેવલ-૧ (યલો એલર્ટ) લાગુ કરી રહ્યા છીએ. યલો એલર્ટ લાગુ કરવાની જાહેરાત સાથે મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું કે, નિયંત્રણો અંગેની વિસ્તૃત જાહેરાત ટૂંક સમયમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમના અનુસાર ઓમિક્રોનના ડરે પાટનગરમાં શાળા, સિનેમા હોલ બંધ કરી દેવાયા છે તથા મેટ્રો, ઓફિસો અને રેસ્ટોરન્ટ્‌સ ૫૦ ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખવાની પરવાનગી અપાઈ છે. તેમણે જણાવ્યું કે કોરોનાના કેસ વધ્યા છે પરંતુ હજુ કોરોના હળવો છે, જેના લીધે હજુ સુધી ઓક્સિજન કે વેન્ટિલેટર બેડની જરુરમાં ઉછાળો આવ્યો નથી. કેજરીવાલે કહ્યું કે, અગાઉ દિલ્હીમાં કોરોનો રાફડો ફાટ્યો હતો તેના કરતા આ વખતે અમે ૧૦ ગણા વધુ તૈયાર થઈને બેઠા છીએ. દેશની રાજધાની દિલ્હીમાં સોમવારે છ મહિના પછી કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે. , જેમાં એક જ દિવસમાં ૩૩૧ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યના એક્ટિવ કેસનો આંકડો વધીને ૧૨૮૯ થઈ ગયો છે. દિલ્હીમાં ઓમિક્રોનના વધુ ૬૩ કેસ નોંધાયા છે. આ સાથે કુલ નવા વેરિયન્ટ સાર્સ-કોવ-૨ના કેસની સંખ્યા વધીને ૧૪૨ પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોનાના કેસની ચિંતાની સાથે એક સારી ખબર એ પણ સામે આવી છે કે એક જ દિવસમાં બે રસી કોરબીવેક્સ અને કોવોવેક્સ વેક્સીનને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે એન્ટી વાયરસ દવા મોલનુપીરાવિરને પણ મંજૂરી આપવામાં આવી છે. ભારતમાં ઓમિક્રોના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સોમવારે એક જ દિવસમાં સૌથી વધારે ૧૩૫ કેસ ઉમેરાયા છે, જેની સાથે કુલ કેસની સંખ્યા વધીને ૬૫૩ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ગઈકાલે ૨૬ નવા ઓમિક્રોનના કેસ સામે આવ્યા હતા, જ્યારે કોરોનાના વધુ ૧૪૨૬ કેસ નોંધાયા અને ૨૧ લોકોના મોત થયા હતા.