સુરક્ષાદળોએ અનંતનાગમાં ૬ આતંકીને ઠાર કર્યા

19

આતંકીઓ પાસેથી હથિયારો અને ગોળા બારૂદ મળી આવ્યા : જમ્મુ કાશ્મીર પોલીસના વિજયકુમારે જણાવ્યું કે આતંકીઓ સાથે બાથ ભીડતા એક પોલીસકર્મી, એક સૈનિક ઘાયલ થયા છે, બંનેને હોસ્પિટલમાં ખસેડાયા
શ્રીનગર,તા.૩૦
જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનું ઓપરેશન ઓલઆઉટ ચાલુ છે અને સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બે અલગ અલગ એન્કાઉન્ટરમાં છ આતંકીઓને ઠાર કર્યા છે. આ તમામ આતંકીઓ જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હતા અને તેમાંથી એક પાકિસ્તાની આતંકી હતો. સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના કુલગામ અને અનંતનાગમાં અથડામણ દરમિયાન ૬ આતંકીઓને ઠાર કર્યા છે. ભારતીય સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના જવાન સતત આસપાસના વિસ્તારમાં આતંકીઓની શોધમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. વિસ્તારમાં કેટલાક વધુ આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી હથિયારો અને ગોળા બારૂદ મળી આવ્યા છે. IGP વિજયકુમારે જણાવ્યું કે આતંકીઓ પાસેથી એક એમ-૪, જ્યારે બે એકે-૪૭ રાઈફલો પણ જપ્ત કરાઈ છે. સુરક્ષાદળો માટે આ મોટી સફળતા છે. જમ્મુ કાશ્મીર પોલીસના વિજયકુમારે જણાવ્યું કે આતંકીઓ સાથે બાથ ભીડતા એક પોલીસકર્મી અને એક સૈનિક ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યાં તેઓ સારવાર હેઠળ છે. પોલીસના એક અધિકારીએ કહ્યું કે આતંકીઓની હાજરી અંગે મળેલી ગુપ્ત બાતમીના આધારે કુલગામ જિલ્લાના મીરહમા વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા ઘેરાબંધી અને તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું અને આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ. અધિકારીએ કહ્યું કે સર્ચ અભિયાન દરમિયાન છૂપાયેલા આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ કર્યું. તેમણે કહ્યું કે સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ ગઈ. બીજી અથડામણ અનંતનાગ જિલ્લાના દૂરુના નૌગામ શાહબાદમાં સુરક્ષાદળો દ્વારા ઘેરાબંધી અને સર્ચ અભિયાન દરમિયાન થઈ.