તમામ રાજકીય પક્ષોએ નિર્ધારિત સમયે ચૂંટણી કરાવવા પર ભાર મૂક્યો : મુખ્ય ચુંટણી કમિશ્નર

25

લખનૌ,૩૦
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ આજે લખનૌમાં યુપીના વિવિધ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી અને તેમના સૂચનો લીધા. આ દરમિયાન તમામ રાજકીય પક્ષોએ નિર્ધારિત સમયે ચૂંટણી કરાવવા પર ભાર મૂક્યો. આ સાથે જ ચૂંટણી પંચે યુપીના તમામ ડીએમ અને એસપી સાથે પણ વાતચીત કરી. પંચે આવકવેરા વિભાગ, જીએસટી, ઈડી અને બેંકો સાથે પણ વાત કરી. રાજકીય પક્ષો સાથે બેઠક બાદ મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ લખનૌમાં પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં જણાવ્યું કે અમે રાજકીય પક્ષો સાથે બેઠક કરી. આ બેઠક દરમિયાન ટીએમસી, બીએસપી, કોંગ્રેસ, ભાજપ, સમાજવાદી પાર્ટી અને આરએલડીએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાનો કાર્યકાળ ૧૪મી મે ૨૦૨૨ ના રોજ ખતમ થઈ રહ્યો છે અને કુલ ૪૦૩ બેઠકો માટે ચૂંટણી થવાની છે. ભારત ચૂંટણી પંચ નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે યુપી ચૂંટણી પ્રલોભન મુક્ત થાય એ અમારી કોશિશ છે. બેઠક દરમિયાન કેટલાક રાજકીય પક્ષોએ પ્રશાસનના પક્ષપાતપૂર્ણ વ્યવહારની ફરિયાદ કરી, હેટ સ્પીચ અને પેઈડ ન્યૂઝ પર ચિંતા વ્યક્ત કરી. અમારો પ્રયત્ન સ્વતંત્ર, નિષ્પક્ષ અને કોવિડ સેફ ચૂંટણી કરાવવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં લગભગ ૧૫ કરોડથી વધુ મતદારો છે અને કુલ મતદારોની સંખ્યા વધી પણ શકે છે. અત્યાર સુધીમાં ૫૨.૮ લાખ નવા મતદારોને સામેલ કરાયા છે. જેમાંથી ૧૯.૮૯ લાખ મતદારો ૧૮-૧૯ વર્ષની આયુના છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ તરફથી ૫ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ મતદાર સૂચિની છેલ્લી યાદી બહાર પડશે. મતદાર સૂચિ બહાર પડ્યા બાદ પણ કોઈનું નામ છૂટી ગયું હોય તો તેઓ પોતાનો ક્લેમ ફાઈલ કરીને પોતાનું નામ જોડાવી શકે છે. ટ સુશીલ ચંદ્રાએ કહ્યું કે પહેલા ૧૫૦૦ લોકો પર એક બૂથ રહેતું હતું. હવે એક બૂથ પર ૧૨૫૦ વોટર કરવામાં આવ્યા છે અને પોલિંગ બૂથની સંખ્યા વધારીને ૧૧ હજાર કરાઈ છે. આ વખતે યુપીમાં એક લાખ ૭૪ હજાર ૩૫૨ મતદાન સ્થળ છે. તમામ જિલ્લા ચૂંટણી અધિકારીને નિર્દેશ અપાયા છે કે પોલિંગ બૂથ પર પોતે જાય અને વ્યવસ્થા જુએ. યુપીમાં ૮૦૦ પોલિંગ બૂથ એવા હશે, જેમાં તમામ કર્મચારીઓ અને સુરક્ષા અધિકારીઓ મહિલાઓ હશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે જો કોઈ મતદાર પાસે ઓળખ પત્ર નહીં હોય તો ૧૧ અન્ય ઓળખ પત્ર દ્વારા પણ મત આપી શકો છો. મતદાન માટે આધાર કાર્ડ, મનરેગા કાર્ડ અને પાન કાર્ડ જેવા ડોક્યુમેન્ટનો ઉપયોગ થઈ શકે છે. કોવિડ પ્રોટોકોલ વિશે મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે અમે હેલ્થ સેક્રેટરી અને મુખ્ય સચિવ સાથે વાત કરી. અમને જે જણાવવામાં આવ્યું છે કે ૪૯ ટકા લોકોને રસીનો બીજો ડોઝ મળી ચૂકયો છ. અમે નિર્દેશ આપ્યા છે કે રસીકરણને વધારવામાં આવે જેથી કરીને જેમ બને તેમ જલદી પહેલો ડોઝ ૧૦૦ ટકા થઈ જાય. સમગ્ર યુપીમાં ઓમિક્રોનના ફક્ત ૪ કેસ આવ્યા છે. જેમાંથી ૩ સાજા થઈ ચૂક્યા છે. કોવિડને જોતા યુપી આવતા પહેલા મે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સાથે ચર્ચા કરી હતી. મે કહ્યું હતું કે રસીકરણ વધારવું પડશે. ચૂંટણી ડ્યૂટીમાં એ જ લોકોને લગાવવામાં આવશે, જેમને રસીના બંને ડોઝ મળ્યા હશે. ચૂંટણી ડ્યૂટીમાં લાગનારા કર્મચારીઓ ફ્રન્ટલાઈન વર્કર હશે.