ગોવિંદાને મળીને રણવીર ભાવુક થયો

16

મુંબઇ, તા.૩
બોલિવૂડ અભિનેતા રણવીર સિંહની ગણતરી આજે ટોચના અભિનેતાઓમાં થાય છે. રણવીર જેમને પોતાના આદર્શ માને છે તેમાં શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમારના નામ સામેલ છે. પરંતુ રણવીર સિંહ આ તમામ અભિનેતાઓની સાથે સાથે ગોવિંદાનો પણ મોટો ફેન છે. રણવીર ગોવિંદાને પોતાના ભગવાન માને છે. તાજેતરમાં જ જ્યારે ગોવિંદા રણવીર સિંહના ક્વિઝ રિયાલિટી શૉ પર પહોંચ્યો તો તેને જોઈને રણવીર સિંહ રડવા લાગ્યો. રણવીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ક્વિઝ આધારિત રિયાલિટી શૉ ધ બિગ પિક્ચરનો હોસ્ટ રણવીર સિંહ છે. આ શૉમાં ભાગ લેવા માટે ગોવિંદા પણ પહોંચ્યો હતો. રણવીર સિંહે ગોવિંદાના સ્વાગત માટે દર્શકોને જણાવ્યું કે, આજે મારા ભગવાન અહીં આવવાના છે. ગોવિંદા શોના સેટ પર આવ્યા તો રણવીર સિંહ તેના પગે પડી ગયો અને ઈમોશનલ પણ થઈ ગયો. મેકર્સે આ પ્રોમો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ત્યારપછી રણવીર સિંહ અને ગોવિંદાએ ૯૦ના દશકના સુપરહિટ અને પોપ્યુલર ગીતો પર ખૂબ ડાન્સ કર્યો. આ શૉ દરમિયાન ગોવિંદાએ પણ ઘણી મજાક મસ્તી કરી. વીડિયો કોલના માધ્યમથી ગોવિંદાના પત્ની સુનીતા, દીકરી ટીના અને દીકરા યશવર્ધન પણ સામેલ થયા. ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે રણવીર સિંહે ગોવિંદા પ્રત્યેના પોતાના પ્રેમને વ્યક્ત કર્યો હતો. આ પહેલા વર્ષ ૨૦૧૪માં તેઓ ફિલ્મ કિલ દિલમાં એકસાથે જોવા મળ્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, રણવીર સિંહની ફિલ્મ ૮૩ હાલમાં જ રીલિઝ થઈ છે. આ ફિલ્મ ૧૯૮૩માં ભારતીય ક્રિકેટ ટીમે મેળવેલી ઐતિહાસિક જીત પર આધારિત છે. ફિલ્મમાં રણવીર સિંહે કપિલ દેવનું પાત્ર ભજવ્યું છે. રણવીર સિંહના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવી રહ્યા છે. અત્યારે તે કરણ જોહરની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની માટે શૂટ કરી રહ્યો છે, જેમાં તેની સાથે આલિયા ભટ્ટ છે. આ સિવાય રોહિત શેટ્ટીની ફિલ્મ સર્કસ અને દિવ્યાંગ ઠક્કરની ફિલ્મ જયેશભાઈ જોરદારમાં પણ રણવીર સિંહ જોવા મળશે.