જે રીતે કોહલી ટ્રેનિંગ કરી રહ્યો છે તે અદભૂત છે : દ્રવિડ

268

નવી દિલ્હી, તા.૩
સાઉથ આફ્રિકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયા રવાના થાય તે પહેલાં વિરાટ કોહલીની પ્રેસ કોન્ફરન્સથી ભારતીય ક્રિકેટ જગતનો સૌથી મોટો વિવાદ સામે આવ્યો હતો અને ત્યારથી આજ દિન સુધી આ વિવાદ હજુ સુધી શાંત થયો નથી. આ વચ્ચે ટીમ ઈન્ડિયાના નવા કોચ રાહુલ દ્રવિડ વિરાટ કોહલીથી ખુબ જ પ્રભાવિત જોવા મળી રહ્યા છે. દ્રવિડે કહ્યું છે કે, અનેક વિવાદો વચ્ચે પણ છેલ્લા ૨૦ દિવસથી વિરાટ કોહલી અભૂતપૂર્વ છે. સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલાં વન-ડે ટીમનું સુકાની પદ આંચકી લેવાતાં વિરાટ કોહલી રોષે ભરાયો હતો. અને આ મુદ્દે તેની અને બીસીસીઆઈ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું હતું. પણ આ તમામ વિવાદો વચ્ચે કોચ રાહુલ દ્રવિડ વિરાટ કોહલીની સમર્થનમાં ઉતરી આવ્યો છે. સોમવારથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ મેચ શરૂ થશે. તેના એક દિવસ અગાઉ રવિવારે રાહુલ દ્રવિડે વાતચીતમાં જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ દિવસથી વિરાટ કોહલી અભૂતપૂર્વ જોવા મળી રહ્યો છે. તેણે જે રીતે પોતાને તૈયાર અને ટ્રેનિંગ કરી રહ્યો છે, તે જે રીતે ગ્રૃપ સાથે કનેક્ટ થઈ રહ્યો છે, આટલાં વિવાદો વચ્ચે પણ, તે ખુબ જ અદભૂત છે.સાઉથ આફ્રિકાના પ્રવાસ પહેલાં વિરાટ કોહલીએ કહ્યું હતું કે, ટી૨૦નું સુકાની પદ ન છોડવા અંગે બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ તેની સાથે કોઈ વાત કરી ન હતી. જ્યારે સૌરવ ગાંગુલીએ પ્રેસ કોન્ફરન્સના થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે, મેં વ્યક્તિગત કોહલીને કેપ્ટનશી ન છોડવા માટે કહ્યું હતું, પણ તે ન માન્યો. આ અલગ-અલગ નિવેદનોને કારણે ભારે વિવાદ ઉઠ્‌યો હતો. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ ભારતીય ટીમના મુખ્ય સિલેક્ટર્સ ચેતન શર્માએ પણ કહ્યું હતું કે, અમે કોહલીને ટી૨૦ વર્લ્ડ કપ સુધી સુકાની પદ છોડવાનો નિર્ણય જાહેર ન કરવા માટે કહ્યું હતું. જો કે, અત્યાર સુધી કોહલીએ કેમ મીડિયા સાથે વાતચીત કરી નથી તેવા સવાલ પર દ્રવિડે કહ્યું કે, તેના માટે કોઈ ચોક્કસ કારણ નથી. હું તે અંગે નિર્ણય કરતો નથી, પણ મને જણાવવામાં આવ્યું છે કે, તે પોતાની ૧૦૦મી ટેસ્ટના દિવસે મીડિયા સાથે વાતચીત કરશે. અને ત્યારે તમે આ તમામ સવાલો તેની ૧૦૦મી ટેસ્ટના દિવસે પુછી શકો છો. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી ૧૧ના રોજ કેપટાઉનમાં રમાનાર ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ત્રીજી મેચ વિરાટ કોહલીની ૧૦૦મી ટેસ્ટ મેચ છે.

Previous articleગોવિંદાને મળીને રણવીર ભાવુક થયો
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે