રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૩૯૬ કેસ નોંધાયા

448

છેલ્લા ૨૪ કલાકમાં એક દર્દીનું મોત થયું : ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા હવે ૧૮,૫૮૩ પર પહોંચી ગઈ છે, જેમાંથી ૧૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે
ગાંધીનગર, તા.૭
ગુજરાતમાં કોરોના વાયરસ બેકાબૂ બની રહી છે અને દરરોજ કેસ રોકેટગતિએ વધી રહ્યા છે. ગુજરાતમાં દૈનિક કેસનો આંકડો હવે ૫,૦૦૦ને પાર થઈ ગયો છે. જ્યારે અમદાવાદની પરિસ્થિતિ પણ ચિંતાજનક બની રહી છે. જ્યાં દૈનિક કેસ ૨૦૦૦ને પાર થઈ ગયા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૫,૩૯૬ કેસ નોંધાયા છે. જ્યારે ૧૧૮૫ દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. એક દર્દીનું કોરોનાથી મોત થયું છે. કોરોના જે રીતે વકરી રહ્યો છે તો જોતાં રાજ્ય સરકારે કડક નિયંત્રણો અમલમાં મૂક્યા છે. રકારે આખરે રાત્રી કરફ્યુનો સમય વધારવા સહિતના આકરાં પગલાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. બાળકોમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ધોરણ ૧થી ૯ના વર્ગો બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. હવેથી આ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ અપાશે. ઉલ્લેખનીય છે કે, આજે જ કેબિનેટ મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં હાલ કોઈ પ્રકારનું લોકડાઉન લાદવામાં નહીં આવે.ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા હવે ૧૮,૫૮૩ પર પહોંચી ગઈ છે. જેમાંથી ૧૯ દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી ૮,૨૧,૫૪૧ લોકોએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે મૃત્યુઆંક ૧૦,૧૨૮ પર પહોંચી ગયો છે. રાજ્યમાં રિકવરી રેટ ૯૬.૬૨ ટકા છે. હાલમાં કેસ સતત વધી રહ્યા છે પરંતુ મૃત્યુઆંકમાં કોઈ ઉછાળો નોંધાયો નથી તે થોડા રાહતના સમાચાર છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત શહેર ચિંતામાં વધારો કરી રહ્યા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૨૨૮૧ નવા કેસ નોંધાયા છે જ્યારે સુરત કોર્પોરેશનમાં ૧૩૫૦ કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં ૫૮૦ અને સુરતમાં ૨૪૮ દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત જ્યાં ત્રણ આંકડામાં કેસ નોંધાયા છે તેમાં વડોદરા કોર્પોરેશનમાં ૨૩૯, રાજકોટ કોર્પોરેશનમાં ૨૦૩, વલસાડમાં ૧૪૨, આણંદમાં ૧૩૩, ખેડામાં ૧૦૪ અને સુરત જિલ્લામાં ૧૦૨ કેસ સામેલ છે. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અને તબીબો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ડોક્ટર હિતેન્દ્ર દેસાઈ કોરોના સંક્રમિત થતાં તેઓ આઈસોલેટ થઈ ગયા છે. જ્યારે ઁર્ઇં ગિરીશ વણઝારાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપના કોર્પોરેટર ઉમંગ નાયકને પણ કોરોના થયો છે.