આભમાં ઉડાન:- પ્રકાશ જાની (વચનામૃત : જીવન માર્ગદર્શક )

97

વિખ્યાત વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને ૧૮૭૯માં ૧૦ હજાર પ્રયોગ પછી વિશ્વમાં પહેલો વિદ્યુત બલ્બ બનાવ્યો. આપણે ટોર્ચમાં કે ટ્રાન્ઝિસ્ટરમાં જે સેલનો ઉપયોગ કરીએ છીએ તેમાં એડિસનને ૫૦ હજારથી પણ વધુ પ્રયોગ પછી સફળતા મળી હતી. વિજ્ઞાની નેપોલિયન હિલે એડિસનને પૂછ્યું હતું, ‘મિસ્ટર એડિસન ! જો તમને ૫૦ હજાર એક્સપરિમેન્ટ પછી પણ સફળતા ન મળી હોત તો તમે શું કરત ?’ એડિસન કહે, ‘મિસ્ટર હિલ, તો હું તમારી સાથે વાતો કરીને મારો સમય બરબાદ ન કરતો હોત, પરંતુ મારી પ્રયોગશાળામાં વધારે પ્રયોગ કરી રહ્યો હોત.’ એ જ એડિસનને ૮૦ વર્ષે પૂછવામાં આવ્યું, ‘તમારી સફળતાનું રહસ્ય શું ?’ ત્યારે તેમણે કહેલું, ‘સફળતા તો હજુ મેળવવાની બાકી છે. હા, છતાં સફળતા મેળવવા માટે છેલ્લાં ૭૦ વર્ષથી સતત ૧૬ થી ૧૮ કલાક હું મારી લેબમાં ગાળું છું.’ઉપરોક્ત શબ્દ ઉચ્ચારનાર એડિસનને તેના એક શિક્ષક ગૂંચવાડિયો અને મૂર્ખ કહેતા. તેના પિતા પણ તેને ‘ઠોઠ અને જડ નિશાળિયો’ કહેતા. તેના મુખ્ય શિક્ષક તો કહેતા કે : ‘તે ક્યારેય કોઈ વાતમાં કે કાર્યમાં સફળતા પ્રાપ્ત નહીં કરી શકે.’ પરંતુ એડિસનના મનમાં આ શબ્દોની કોઈ અસર નહોતી. કારણ, તેના લોહીના પ્રત્યેક લયમાં પ્રામાણિકપણે કાર્ય કરવાની તમન્ના હતી, ઊંચાઈને પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા હતી. તેથી જ તે વ્યક્તિએ વિશ્વને અપ્રતિમ સાધનોની અને નવા આવિષ્કારોની ભેટ આપી.સમગ્ર વિશ્વ તેના આ પ્રદાનનું સાક્ષી છે.
સફળતાપામવી એ મનુષ્યની ઇરછા પણ છે અને મનુષ્યની ફરજ પણ છે. આપણે જ્યાં હોઈએ ત્યાં અને જે કરતાં હોઈએ ત્યાં કાંઈક અધિક, કાંઈક વિશેષ કરવાની ભાવના રાખવી જ જોઈએ. ‘મારે અસીમિત આભમાં ઉડવું છે’ એવી ઉત્કટ ઇચ્છા જ માનવીમાં અપાર શક્તિ પ્રેરે છે. એવી ભાવના સાથે પુરુષાર્થ ભળે તો મનુષ્યસફળતાનાં આકાશમાં ઉડાન ભરે છે. જીવનમાં ઉચ્ચતમ સફળતાનીઝંખના અનેક નિષ્ફળતાઓની વચ્ચે પણ માનવીને ટકાવી રાખે છે.
જૂનાગઢમાં લારી ઉપર ભજિયા વેચતા એક કિશોરને મનમાં થયું કે ‘મારે કંઈક કરવું છે.’ તેના માટે યોગ્ય અને પ્રામાણિક પુરુષાર્થ કર્યો. અંતે ૧૭મા વર્ષે આફ્રિકાના એડન શહેરમાં બાસ શ્ કંપનીમાં પેટ્રોલિયમના સેલ્સ ડિપાર્ટમેન્ટમાં મહિને ૩૦૦ રૂપિયાના પગારની નોકરી મળી. તેની આ અદમ્ય ઇચ્છા ત્યાં સુધી જ સીમિત ન હતી.
પેટ્રોલ ભરવાની કામગીરી કરતાંકરતાં રોજ વિચાર આવતો કે એક દિવસ મારી પણ આવી કંપની હશે, હું પણ સફળ થઈશ. આ વિચાર સાથે ભારત આવી મુંબઈમાં ભૂલેશ્વરના કબૂતરખાનામાં એક નાની રૂમ ભાડે રાખી. પત્ની, બે પુત્રો, માતા, મોટાભાઈ, ભાભી અને તેમનો પુત્ર તેમ ૧૦ વ્યક્તિ સાથે વસવાટ શરૂ કર્યો. અનેક મુશ્કેલીઓ અને વિઘ્નો હતાં, વિષમ પરિસ્થિતિઓ હતી છતાં મનમાં દૃઢ નિર્ધાર હતો કે મારે સફળ થવું છે. તેથી ૧૫૦ રૂપિયામાં ઑફિસ ભાડે લીધી અને ૧૫,૦૦૦ રૂપિયામાં ભાગીદારીમાં કંપની કોર્પોરેશનની સ્થાપના કરી. જે આજે વિશ્વની શ્રેષ્ઠતમ કંપનીઓમાં અગ્રતાક્રમે છે. તે કંપની એટલે ‘રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશન’ અને સફળતાનીઊંચાઈએ પહોંચનાર તે યુવક એટલે ધીરૂભાઈ અંબાણી.
પૃથ્વી ઉપર વસતો પ્રત્યેક માનવ સફળતાને પ્રાપ્ત કરી શકે છે.હા, આ સફળતા સાર્થક ત્યારે બને છે જ્યારે તેમાંવિશ્વને કાંઈક આપવાની ભાવના હોય.
બી.એ.પી.એસ. સંસ્થાના વડા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ વિતરાગી સાધુ હોવા છતાં વિશ્વને ઉચ્ચતમ પ્રદાન કરવાની અદમ્ય ઇચ્છા ધરાવતા.તેથી જ ૫૦થી વધારે શૈક્ષણિક સંસ્થાઓ, છાત્રાલયો, અતિ આધુનિક સાધનોથી સજ્જ દવાખાનાઓ અને સેંકડો આદિવાસી ઉત્કર્ષ કેન્દ્રોનું સફળ સંચાલન કરીને સ્વામીજીએ વિશ્વ સમક્ષ એક અનુપમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણેમંદિરોમાં મળવા આવતા અસંખ્ય મુલાકાતીઓની મૂંઝવણ તો દૂર કરી પરંતુ તે સાથે ૨૫૦૦૦૦થીય વધુ ઘરો સુધી પહોંચીને વ્યક્તિગત મુલાકાત દ્વારા લાખો લોકોના વિકટ પ્રશ્નોનું સમાધાન આપ્યું છે. વ્યસનમુક્તિ અભિયાન દ્વારા ૪૦ લાખ લોકોને કાતિલ વ્યસનોથી મુક્ત કરીને તેમણે એક કીર્તિમાન સ્થાપી દીધો. કૂદરતી હોનારત હોય કે પછી પર્યાવરણ જાગૃતિ અભિયાન હોય, બાલ સંસ્કારની પ્રવૃત્તિ હોય કે પછી યુવાશાક્તિને રચનાત્મક દિશા આપવાની સિદ્ધિ હોય, પ્રમુખસ્વામી મહારાજ સદા સફળ રહ્યા છે. તેઓની આ કર્મઠતા પાછળ સમગ્ર જીવનને સેવાયજ્ઞની વેદી બનાવી સૌને સુખી કરવાની અદમ્ય ઇચ્છા જ હતી.
આપણે પણ ઊંચું નિશાન રોપીને લગનથી તેને પામવા મંડી પડવાની પ્રેરણા લઈએ.