CM બગોદરા પાસે કાફલો રોકી ચા પીવા ઉભા રહી ગયા

139

અમદાવાદ-રાજકોટ હાઈવેને સિક્સલેન કરવાના કામકાજનું નિરીક્ષણ કરી સીએમ પરત આવી રહ્યા હતા
સીએમ ભૂપેન્દ્ર પટેલને ખાટલા પર બેસીને સામાન્ય વ્યક્તિની જેમ ચા પીતા જોઈને આજે કેટલાક લોકોને નવાઈ લાગી હતી. ખરેખર તો ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદ-રાજકોટ હાઈવેને સિક્સ લેન બનાવવાના ચાલી રહેલા કામનું પરિક્ષણ કરવા માટે કટારિયા, બગોદરા પહોંચ્યા હતા. જ્યાંથી પરત આવતા તેમણે હાઈવે પર આવેલી હોટેલમાં ચા પીધી હતી. સીએમે હાઈવેના કામકાજની સાથે હાલ બની રહેલા ૫૩ કિમી લાંબા અરણેજ ફ્લાયઓવરની પણ સમીક્ષા કરી હતી. સીએમે ઉચ્ચ અધિકારીઓ સાથે સાઈટ પર જાત નિરીક્ષણ કરીને કેટલીક સૂચનાઓ પણ આપી હતી. બગોદરાથી પરત આવી રહેલા સીએમ આજે હાઈવે પર આવેલી એક કાઠિયાવાડી હોટેલમાં ચા પીવા માટે રોકાઈ ગયા હતા. ઉચ્ચ અધિકારીઓ સાથે સીએમને ચા પીતા જોઈને હોટેલમાં જમવા આવેલા લોકો પણ ઘડીભર ચોંક્યા હતા. સીએમે અહીં લોકો સાથે પણ ફોટા પડાવ્યા હતા. દાદાના હુલામણા નામે ઓળખાતા ભૂપેન્દ્ર પટેલ આ પહેલા પણ પોતાના મત ક્ષેત્રમાં આવતા શીલજ ગામમાં ચાની કિટલી પર કાર્યકરો સાથે ચા પીવા બેસી ગયા હતા, અને કાર્યકરો ઉપરાંત ગ્રામજનો સાથે ’ચાય પે ચર્ચા’ કરી હતી. ભૂપેન્દ્ર પટેલ પોતાના સરળ સ્વભાવનો પરિચય પહેલા પણ આપી ચૂક્યા છે. સીએમ બન્યા બાદ પણ તેઓ રાજકારણીની જેમ ઝભ્ભો-લેંઘો પહેરવાને બદલે પેન્ટ-શર્ટ પહેરીને જ ઓફિસે આવવાનું અને જાહેર કાર્યક્રમોમાં જવાનું પસંદ કરે છે. આ ઉપરાંત, તેમણે સચિવાયલના દ્વાર પણ સામાન્ય જનતા માટે ખોલી નાખ્યા છે. હાલ કોરોનાને કારણે તેમાં નિયંત્રણ આવ્યા છે, પરંતુ ભૂપેન્દ્ર પટેલે સીએમ બનતા જ દરેક મંત્રીઓ અને અધિકારીઓને સોમ-મંગળ એમ બે દિવસ ફરજિયાત ઓફિસમાં હાજર રહેવાની તાકીદ કરી હતી. પોતાના આદેશનું પાલન થાય છે કે નહીં તે માટે તેમણે થોડા દિવસો પહેલા જ અચાનક જ મંત્રીઓની ઓફિસોની સરપ્રાઈઝ વિઝિટ પણ કરી હતી.

Previous articleજિલ્લામાં ઉજ્જવલા યોજનાના ૨ ફેસમાં ૬૮ હજાર કનેકશનની કરાઇ ફાળવણી
Next articleરાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૬૭૭ કેસ નોંધાયા