પાંચ રાજ્યોમાં સાત તબક્કામાં મતદાન, ૧૦ માર્ચે મતગણતરી

72

કોવિડ સેફ ઈલેક્શનના પડકાર વચ્ચે ચૂંટણી પંચની જાહેરાત : ઉ. પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટેનું બ્યુગલ ફૂંકાયું, આચારસંહિતા લાગુ થઈ ગઈ
નવી દિલ્હી, તા.૮
ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણી માટેનું બ્યુગલ વાગી ચુક્યું છે. કોરોનાના પડકાર, વધી રહેલા ઓમિક્રોનના જોખમ વચ્ચે ચૂંટણી પંચે ૫ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ. મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્ર અન્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમાર અને અનૂપ ચંદ્ર પાંડે સાથે વિજ્ઞાન ભવન પહોંચ્યા હતા અને નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સની યોજાઈ હતી. સીઈસી સુશીલ ચંદ્રએ પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું કે, આ વખતે ૫ રાજ્યોના ૬૯૦ વિધાનસભા ક્ષેત્રો માટે ચૂંટણી થશે. ચૂંટણી પંચનો મુખ્ય ઉદ્દેશ્ય કોવિડ સેફ ઈલેક્શન કરાવવાનો છે અને કોરોના કાળમાં ચૂંટણી યોજવી તે એક પડકાર સમાન છે. ઉત્તર પ્રદેશમાં ૧૦ ફેબ્રુઆરીના રોજ થશે પ્રથમ ફેઝનું મતદાન. ૧૦ માર્ચના રોજ પાંચેય રાજ્યની મતગણતરી થશે. પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક જફેઝમાં થશે ચૂંટણી. ૧૪ ફેબ્રુઆરીએ પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં મતદાન થશે. ઉત્તર પ્રદેશમાં કુલ ૭ તબક્કામાં મતદાન યોજાશે. સીઈસી સુશીલ ચંદ્રએ જણાવ્યું કે, ૫ રાજ્યોની ચૂંટણીમાં કુલ ૧૮.૩૪ કરોડ મતદારો છે જેમાં સર્વિસ મતદારોનો પણ સમાવેશ થાય છે. તેમાં ૮.૫૫ કરોડ મતદારો મહિલા છે. જ્યારે કુલ ૨૪.૯ લાખ મતદારો પોતાના મતાધિકારનો પ્રથમ વખત પ્રયોગ કરશે. તેમાં ૧૧.૪ લાખ યુવતીઓ પ્રથમ વખત મતદાર બની છે. તમામ બૂથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે જેથી લોકોને સુવિધા રહે. બૂથ પર સેનિટાઈઝર, માસ્કની વ્યવસ્થા રાખવામાં આવશે.
આયોગની ટીમ કોવિડ પ્રભાવિત કે કોવિડ સંદિગ્ધના ઘરે વિશેષ વેન દ્વારા વીડિયો ટીમ સાથે જશે અને મતદાન કરાવીને આવશે. તેમને બેલેટ પેપર દ્વારા મતદાન કરવાનો અધિકાર મળશે.
૧,૬૨૦ પોલિંગ સ્ટેશન પર માત્ર મહિલા કર્મચારીઓ હશે. તમામ પોલિંગ સ્ટેશન પર વ્હીલચેરની સુવિધા રાખવામાં આવશે. ચૂંટણીમાં ધાંધલી રોકવા માટે એપ બનાવાઈ. પૈસા-દારૂની હેરાફેરી પર ખાસ નજર રાખવામાં આવશે. તમામ રાજકીય દળો માટે સુવિધા એપ બનાવાઈ. એપ દ્વારા ઉમેદવારો ઓનલાઈન નોંધણી કરાવી શકશે. જનભાગીદારી માટે બનાવાયેલી સીવિજીલ એપ પર ફરિયાદ નોંધવામાં આવશે. તમામ ચૂંટણી કર્મચારીઓ સંપૂર્ણપણે વેક્સિનેટેડ હશે. ૧,૨૦૦ મતદારોએ એક પોલિંગ બૂથ બનશે. પદયાત્રા, રોડ શો પર રોક. કોવિડ પોઝિટિવના ઘરે જશે ચૂંટણી પંચની ટીમ.