મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થવાની શક્યતા

74

દેશમાં કોરોનાના વધતા કેસ જોતા રાજ્યો એલર્ટ પર : જાન્યુઆરીની મધ્યમમાં જ મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના દૈનિક કેસ પીક પર પહોંચવાની વકી : દૈનિક કેસનો આંકડો ૪-૮ લાખ પહોંચવાની સંભાવના
નવી દિલ્હી,તા.૧૦
જે પ્રમાણે દેશમાં કોરોનાના નવા કેસમાં ઉછાળો આવી રહ્યો છે તે જોતા રાજ્યો એલર્ટ થઈ રહ્યા છે. ક્યાંક નાઈટ કર્ફ્‌યૂ તો ક્યાંક જરુરી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. આવામાં આ મહિનાના અંત સુધીમાં ત્રીજી લહેર શરુ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે આ અઠવાડિયામાં દૈનિક કેસનો આંકડો ૪-૮ લાખ (સાત દિવસના સરેરાશ કેસ) પહોંચવાની સંભાવના પણ વ્યક્ત કરાઈ છે. જાન્યુઆરીની મધ્યમમાં જ મુંબઈ અને દિલ્હીમાં કોરોનાના દૈનિક કેસ પીક પર પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. જેમાં દિલ્હીના દૈનિક કેસ (૭ દિવસના સરેરાશ કેસ)ની સંખ્યા ૫૦,૦૦૦-૬૦,૦૦૦ અને મુંબઈના દૈનિક કેસની સંખ્યા ૩૦,૦૦૦ પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અનુમાન આઈઆઈટી કાનપુરના પ્રોફેસર મહિન્દ્રા અગ્રવાલ દ્વારા સૂત્ર મૉડલના આધારે કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા સમર્થિત સૂત્ર મૉડલને પ્રોફેસર મહિન્દ્રા લીડ કરી રહ્યા છે. આ સૂત્ર મૉડેલમાં એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જે પ્રમાણે કોરોનાના કેસમાં ઉછાળો આવશે તે જ પ્રમાણે કોરોનાના કેસમાં ઘટાડો પણ નોંધાશે. પ્રોફેસર મનિંદર અગ્રવાલે એમ પણ જણાવ્યું કે, હાલમાં સૂત્ર મૉડેલ ત્રીજી લહેર અંગે ’ચોક્કસ આંકડા’ આપી રહ્યું નથી. અગ્રવાલે બે દિવસ અગાઉ કરેલી ટિ્‌વટમાં એમ પણ જણાવ્યું કે, હાલની સ્થિતિમાં ભારત માટે સંભાવના વ્યક્તિ કરવી ઘણી મુશ્કેલ છે કારણ કે આ મૉડલ હાલના તબક્કાને ઝડપી શકતું નથી. રવિવારે તેમણે જણાવ્યું કે, આપણે હજુ ત્રણ-ચાર દિવસ રોકાવાની જરુર છે, જેથી કરીને તટસ્થ સંભાવના (ભારતના પીક આંકડા અંગે) મળી શકે. જોકે, તેમને મુંબઈ અને દિલ્હીના પીક અંગે વિશ્વાસ સાથે સંભાવના વ્યક્ત કરી છે જેની અસર એક અઠવાડિયામાં જોવા મળી શકે છે. આ (સૂત્ર) મૉડલ દ્વારા આ બે શહેરોના ચોક્કસ આંકડા હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તેમણે પોતાની ટિ્‌વટમાં એ વિગતો પણ આપી છે કે, “સંપૂર્ણ રીતે જોવા જઈએ તો આ લહેરને સંભાળી શકાય તેવી હશે કારણ કે હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા ઓછી રહેશે. જોકે, આગામી બે અઠવાડિયામાં સ્થિતિ બદલાઈ પણ શકે છે. આ સિવાય ખાટલાની અછત પણ સર્જાઈ શકે છે. જેથી યોગ્ય આયોજન અને સુરક્ષા રાખવી જરુરી છે. દેશમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૧,૭૯,૭૨૩ નવા કોરોના કેસ નોંધાયા છે, જેની સામે ૪૬,૫૬૯ દર્દીઓ સાજા થયા છે. પાછલા ૨૪ કલાકમાં સારી બાબત એ રહી છે કે કોરોનાના નવા કેસ વધ્યા છે પરંતુ મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. ગઈકાલે ૩૦૦ને પાર મૃત્યુઆંક પહોંચ્યા બાદ આજે ૧૪૬ પર આંકડો અટક્યો છે. આ સિવાય ભારતમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા ૪૦૦૦ને પાર કરીને ૪૦૩૩ પર પહોંચી છે. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં ૧,૨૧૬ અને રાજસ્થાનમાં ૫૨૯ કેસ છે. ગુજરાતમાં ઓમિક્રોનના કુલ ૨૩૬ કેસ નોંધાયા છે અને ૧૮૬ સાજા થયા છે. દેશના ૪,૦૩૩માંથી ૧,૫૫૨ દર્દીઓએ ઓમિક્રોનને હરાવ્યો છે.