આકાશવાણીના રાષ્ટ્રીય કવિ સંમેલનમાં તળાજાના રક્ષાબેન શુક્લની પસંદગી

97

આકાશવાણી દર વર્ષે પ્રજાસત્તાકદિનની પૂર્વસંધ્યાએ ભારતની દરેક ભાષામાંથી એક નામાંકિત કવિને પસંદગી થાય છે. આ વર્ષે ગુજરાતમાંથી આકાશવાણીના રાષ્ટ્રીય કવિસંમેલન(૨૦૨૨)માં તળાજાના રક્ષા શુક્લની પસંદગી થઈ છે. વિશેષ આમંત્રિત શ્રોતાઓ સમક્ષ આ સર્વભાષા કવિસંમેલન યોજાય છે. ‘નેશનલ સિમ્પોઝીયમ ઓફ પોએટ્‌સ’ અંતર્ગત આ કવિસંમેલનનું પ્રસારણ દર વર્ષે ૨૫ જાન્યુઆરીએ રાત્રે ૧૦ કલાકે ભારતના તમામ રેડિયો સ્ટેશન પરથી થાય છે. જેમાં રક્ષા શુક્લની કવિતા ભારતની ૨૨ ભાષાઓમાં અનુવાદિત થશે. આકાશવાણીના ૪૨૧ સ્ટેશન પરથી એમની મૂળ ગુજરાતી કવિતા જે તે રાજ્યની પ્રાદેશિક ભાષાના ભાવાનુવાદ સાથે પ્રસારિત થશે. ગુજરાતી વિભાગના ઇન્ચાર્જ ત્રિલોક સંઘાણીએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ એન. આર. મીનાએ જણાવ્યું કે “૧૯૫૬થી આરંભાયેલી આ પરંપરાનો મુખ્ય હેતુ ભારતીય ભાષાઓના સમૃદ્ધ સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાનું આદાન-પ્રદાન કરવાનો છે. ગુજરાતી ભાષામાંથી એક ઉત્તમ કવિતા માણવા મળી એનો આનંદ છે.” આ સંમેલનના ૨૨ કવિઓની કૃતિઓ પછીથી ભારતીય ભાષામાં અનુવાદિત થશે અને સંચય રૂપે પ્રગટ થશે.