કુંજ પક્ષીના મૃતદેહ સાથે ત્રણ શિકારીઓ ઝડપાયા

109

ભાવનગર શહેરના તેમજ જિલ્લાના જળ પલ્લવીત વિસ્તારોમાં વિદેશી પક્ષીઓ મોટા પ્રમાણમાં મહેમાન બન્યા છે. એ સાથે મુળ ગલ્ફ એટલે કે ખાડી દેશો તથા ચાઇનાથી અને ઉત્તર સાઇબેરીયાથી દર વર્ષની માફક આ વર્ષે પણ કુંજ પક્ષીના મોટા ઝુંડ શિયાળો ગાળવા માટે આવી રહ્યા છે. આ પક્ષી ભાવનગર જિલ્લામાં ચાર માસ સુધી રોકાણ કરી આહારની શોધમાં અહી-તહી વિહરતા રહે છે. આ સુંદર અને દુર્લભ પક્ષી હોવા સાથે વન વિભાગની ગાઇડલાઇનના શેડ્યુલ-૧ના પક્ષી તરીકે સ્થાન ધરાવે છે. આરક્ષિત પક્ષીને સુરક્ષિત રાખવા વન વિભાગ દ્વારા ખાસ કામગીરી પણ કરવામાં આવે છે આમ છતાં દર વર્ષે આ સુંદર પક્ષીઓ શિકારીઓના ઝાસામાંથી છટકી શકતા નથી અને શિકારીઓ દ્વારા કુંજ પક્ષીનો શિકાર પણ કરવામાં આવે છે ત્યારે આવો જ એક બનાવ ભુંભલી ગામે બનવા પામ્યો છે. જે અંગે વન વિભાગ પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર હાથબ ફોરેસ્ટ રાઉન્ડ અધિકારીઓને બાતમી મળી હતી કે, ભુંભલી ગામે રહેતા મનજી પટેલીયાના ઘરે ત્રણ મૃત કુંજ પક્ષીના મૃતદેહો પડ્યા છે જે હકિકત આધારે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ મનજીના ઘરે રેડ કરી ત્રણ મૃતદેહ કુંજના કબ્જે લઇ આજ ગામના શામજી કલ્યાણ મકવાણા, અશોક પોપટ પટેલીયા અને મનજી પટેલીયાની અટકાયત કરી દંડ વસુલી વધુ તપાસ હાથ ધરી છે.