શહેરમાં દર બીજા દિવસે કોરોનાથી એક વ્યક્તિનું મોત

83

૯ જાન્યુઆરીથી ભાવનગર શહેર- જિલ્લામાં શરૂ થયેલી પોઝિટિવ કેસની ત્રણ આંકડાની સંખ્યા યથાવત
રાજયભરની સાથો-સાથ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસનો જબ્બર ઉછાળો આવ્યો છે ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો છેલ્લા પંદર દિવસથી શરૂ થયેલી કોરોનાની રફતાર રોકાવાનું નામ નથી લેતી. ૧૫ દિવસમાં ભાવનગરમાં ૪૮૮૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ગ્રામ્યમાં બે તથા શહેરમાં સાત મળી કુલ નવ વ્યક્તિઓના મૃત્યુ થયા છે. ભાવનગર શહેરમાં છેલ્લા પંદર દિવસમાં દર બીજા દિવસે એક વ્યક્તિનું કોરોનાથી મોત થઈ રહ્યું છે ભાવનગરમાં કોરોનાની ત્રીજી લહેર ની સાચી શરૂઆત ૯ જાન્યુઆરી થવા પામી હતી જેમાં એક જ દિવસમાં ૧૦૯ પોઝિટિવ કેસ આવ્યા હતા અને પોઝિટિવ કેસ ની સંખ્યા એક દિવસમાં ત્રણ આંકડે પહોંચી હતી જે દિન પ્રતિદિન વધતા જતા રફતાર પંદર દિવસ સુધી સતત ચાલુ રહેવા પામી છે અને દૈનિક કેસની સંખ્યા ૫૦૦ સુધી પહોંચી જવા પામી છે ભાવનગર શહેરમાં છેલ્લા પંદર દિવસમાં ૨૫૨૨ પુરુષ અને ૧૭૯૦ સ્ત્રી મળી કુલ ૪૩૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ગ્રામ્યની વાત કરીએ તો ૩૪૩ પુરુષ અને ૨૨૫ સ્ત્રી મળી કુલ ૫૬૮ કેસ છેલ્લા પંદર દિવસમાં નોંધાયા છે આમ ભાવનગર શહેર અને જિલ્લાના કુલ ૪૮૮૦ કેસ નોંધાયા છે ભાવનગર શહેર અને જિલ્લામાં તારીખ ૨૦ જાન્યુઆરીના રોજ સૌથી વધુ ૫૮૭ કેસ નોંધાયા હતા. છેલ્લા પંદર દિવસના ભાવનગર શહેર – જિલ્લાના કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ તરફ દૃષ્ટિ કરીએ તો શહેરમાં ૪૩૧૨, ગ્રામ્યમાં ૫૬૮ કેસ નોંધાયા છે તેની ટકાવારી જોઈએ તો ૮૮% પોઝિટિવ કેસ ભાવનગર શહેરમાં નોંધાયા છે જ્યારે ગ્રામ્યમાં માત્ર ૧૨ ટકા પોઝિટિવ કેસ નોંધાયા છે અને પુરુષો કરતા સ્ત્રીઓની ટકાવારી પણ એકંદરે ઓછી રહેવા પામી છે. પોઝિટિવ કેસ વધવાનું કારણ એ પણ દર્શાવાઇ રહી છે કે તંત્ર દ્વારા રિપોર્ટ ની કામગીરી ઝડપી કરવામાં આવી રહી છે અને લોકોમાં જાગૃતિ આવી છે અને રિપોર્ટ કરાવવા લાઇનો લગાવી રહ્યા છે ત્યારે ત્રીજી લહેરમાં વધી રહેલા પોઝિટિવ કેસો ઘટાડવા માટે લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અને માસ્ક પહેરવું અનિવાર્ય બન્યું છે.