માર્ચ સુધીમાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થવાનું અનુમાન

79

દેશના મોટા ભાગના રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી : મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં આ મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થઈ શકે છે એવા આઈસીએમઆરના સંકેત
પૂણે, તા.૫
દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેર મોટાભાગના રાજ્યોમાં ધીમી પડતી જોવા મળી રહી છે. જો કે, કેરળ જેવા કેટલાંક રાજ્યોમાં હજુ આવી સ્થિતિ જોવા મળી નથી. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ જણાવ્યું કે, દેશને ક્યારે આ ઓમિક્રોન લહેરથી છૂટકારો મળશે. આઈસીએમઆરના એડિશનલ ડિરેક્ટર જનરલ ડૉક્ટર સમીરન પાંડાએ જણાવ્યું કે, અલગ અલગ રાજ્યોમાં ત્રીજી હેર અલગ અલગ સમયે ખતમ થશે. દેશમાં માર્ચ મહિના સુધી આ ત્રીજી લહેર ખતમ થઈ શકે છે. ડૉક્ટર પાંડાએ શુક્રવારે જણાવ્યું કે, મહારાષ્ટ્ર, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં આ મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેર ખતમ થઈ શકે છે. તેઓએ જણાવ્યું કે, આ રાજ્યોમાં ત્રીજી લહેરનો પીક પસાર થઈ ચૂક્યો છે અને આ મહિનાના અંત સુધીમાં બેઝ લેવલ સુધી પહોંચી જશે. જ્યાં સુધી આખા દેશની વાત છે તો માર્ચ સુધીમાં ત્રીજી લહેર ખતમ થવાની આશા તજજ્ઞોને છે. આઈસીએમઆરના મેથેમેટિકલ મોડલ મુજબ, આ રાજ્યોમાં આ મહિનાની અંદર જ કોરોનાની ત્રીજી લહેર ખતમ થઈ જશે. આઈસીએમઆર અને ઈમ્પિરિયલ કોલેજ લંડન તરફથી બનાવવામાં આવેલા આ ક્રોમિક મોડલ મુજબ, દેશમાં આ વર્ષે માર્ચ મહિનાના મધ્ય સુધીમાં કોરોના એન્ડેમિક સ્ટેજ પર પહોંચી શકે છે. ડૉક્ટર પાંડાએ જણાવ્યું કે, મહામારી હવે સ્થિરતા તરફ આગળ વધી રહી છે. તેઓએ કહ્યું કે, જો કોરોના વાયરસ (સાર્સ કોવ-૨)નો ભવિષ્યમાં કોઈ ખતરનાક વેરિઅન્ચ સામે નહીં આવે તો બધુ જ કંટ્રોલમાં આવી શકે છે. એપિડેમિક એન્ડેમિક સ્ટેજમાં પહોંચ્યુ હોવાના સંકેત હાલ મળી રહ્યા છે. તેઓએ આગળ જણાવ્યું કે, જે રાજ્યો અને જિલ્લાઓમાં જાન્યુઆરીની શરૂઆતમાં સૌથી વધુ કેસ આવી રહ્યા હા, હવે ત્યાં ધીરે ધીરે સંક્રમણમાં ઘટાડો નોંધાયો છે. તેઓએ કહ્યું કે, આપણે કહી શકીએ છીએ કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં ઘટાડો આવી શકે છે. તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બે દિવસ પહેલાં એટલે કે ગુરુવારે જે પ્રેઝન્ટેશન આપ્યું હતું એ મુજબ, મહારાષ્ટ્રમાં કેસમાં ઘટાડો નોંધાયો છે. મહારાષ્ટ્ર એ ૩૪ રાજ્યોમાં સામેલ છે કે જ્યાં કોરોનાના નવા કેસમાં ઘટાડો થયો છે. રાજ્યના વિશેષજ્ઞોનું પણ કહેવું છે કે, રાજ્યના મોટાભાગના જિલ્લામાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, દેશમાં જાન્યુઆરી મહિનામાં કોરોના કેસમાં વધારો નોંધાયો હતો. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કેસની સંખ્યામાં વધારો થયો હતો. ત્યારે આઈસીએમઆરે આશા વ્યક્ત કરી છે કે, માર્ચ મહિનાના અંત સુધીમાં કોરોનાની ત્રીજી લહેરની વિદાય થઈ શકે છે. જો કે, હજુ પણ લોકોએ કોરોનાના નિયમોનું પાલન કરવું પડશે.

Previous articleદેશમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧.૨૭ લાખ નવા કેસ નોંધાયા
Next articleમોદીએ રામાનુજાચાર્યની ૨૧૬ ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યું અનાવરણ