ભાવનગરના એવાં મહિલા કે જેણે સમાજના બાળકોનો માટે જીવન સમર્પિત કરી દીધું

82

સમાજના બાળકો માટે ઇન્દિરાબેન લગ્ન પણ નથી કર્યા : બાળકોના શિક્ષણ- સંસ્કાર માટે કોઇપણ અપેક્ષા વગર જીવનના ૭૦ વર્ષ ખર્ચી કાઢ્યાં
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. મહિલાઓના માન અને સન્માન માટે દર વર્ષે ૮ માર્ચનો દિવસ મહિલાઓના સન્માન માટે ઉજવવામાં આવે છે. મહિલાઓએ આજે સમાજના તમામ ક્ષેત્રોમાં અગ્રેસર રહીને કાર્ય કરી રહી છે. ભાવનગર આમેય ગીજૂભાઇ બધેકાના બાળ શિક્ષણ માટે ખ્યાત છે જ ત્યારે આજે એવી મહિલાની વાત કરવી છે કે, જેમણે સમાજના બાળકો માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરી દીધું છે. સમાજના બાળકો માટે લગ્ન નથી કર્યા અને ભગવા રંગમાં પોતાની જિંદગી સમાજના બાળકોના વિકાસ માટે સમર્પિત કરી દીધી છે. એમનું નામ છે ઇન્દિરાબેન ભટ્ટ છે. જેઓ ભાવનગરની જાણીતી સંસ્થા શિશુવિહારના સ્થાપકશ્રી માનભાઈ ભટ્ટના દીકરી છે.

બાળકોના સંસ્કાર શિક્ષણ અને સમાજ સેવા માટે તેમણે કોઇપણ અપેક્ષા વગર જીવનનાં અમૂલ્ય ૭૦ વર્ષ ખર્ચી કાઢ્યાં છે. બાળકોને પૂરો સમય ફાળવી શકાય તે માટે તેમણે લગ્ન પણ કર્યા નથી. તે જમાનામાં બાળ કેળવણી માટે મોન્ટેસરીનું શિક્ષણ મેળવ્યાંબાદ ઇન્દિરાબેને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ભાષામાં અનુસ્નાતક અને ત્યાર બાદ બી.એઙ, એમ.એઙ સુધીનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ પોતાની માતૃસંસ્થામાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. વર્ષઃ ૧૯૭૮ ની આસપાસ સરકારી ગ્રાંન્ટ મળવાની શરૂઆત કરવામાં આવી તો તે સમયે સરકારી પગાર અને ગ્રાન્ટના પૈસે શિક્ષણ ન આપી શકાય તેવાં પિતાશ્રી માનભાઇ ભટ્ટના સંસ્કારોને લીધે તેમણે સંસ્થા માટે ગ્રાન્ટ લીધી ન હતી. સરકારી પગાર પણ જતો કર્યો હતો અને તેઓ પેન્શન મેળવવાં પાત્ર હોવાં છતાં પેન્શન પણ જતું કર્યું હતું. તેમના પિતાશ્રી માનભાઇ ભટ્ટ તે જમાનામાં ભાવનગરના બંદર પર ફોરમેનની નોકરી કરતાં હતાં અને નોકરી બાદના સમયમાં બાળકોને શિક્ષણ સાથે રમતો પોતાના ખર્ચે રમાડતાં હતાં. તે સમયે બાળકો વધતાં તેમણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીને આ માટે રજૂઆત કરતાં મહારાજાએ વ્યવસાયિક પ્રવૃત્તિઓ ન કરવાની શરતે તે જમાનામાં અત્યારે અસ્તિત્વ ધરાવતાં શિશુવિહાર સંકુલની જમીન આપી હતી. ઇન્દિરાબેને પિતાના વારસાની આ મશાલ સતત ૭૦ વર્ષ સુધી જલાવી રાખી હતી. માત્ર બાળકો જ નહીં આર્થિક રીતે જરૂરિયાતમંદ સમાજની બહેનોને સિલાઇ કામના મશીન તથા તાલીમ અપાવીને બહેનોને આર્થિક રીતે પગભર કરવાનું પણ કાર્ય પણ તેમણે કર્યું છે. આટલું જ નહીં સ્કાઉટિંગ અને દિવ્યજીવન સંઘ સહિતની પ્રવૃત્તિઓ સાથે પણ તેઓ સક્રિય રીતે સંકળાયેલ છે. ભારતમાં મહિલાઓ પુરુષ સમોવડી બનવાં માટે આજે નોકરી સહિત બિઝનેસ કરતી થઇ છે. સમાજના બાળકોના વિકાસમાં જીવન ખર્ચી નાંખનાર ઇન્દિરાબેને કહે છે કે, આધુનિક યુગમાં પુરુષો સમોવડી બને બને તે જરૂરી છે. બચારી-બાપડી બનવાનાં દિવસો હવે પૂરાં થયાં છે. સમાજે હવે મહિલાઓને ઉડવાં માટે આસમાન આપવું જરૂરી છે. ભાવનગરના આંગણે વર્ષો પહેલાં શ્રી માનભાઈ ભટ્ટે બાળકોના વિકાસ માટે શિશુવિહાર જેવી સંસ્થાની સ્થાપના કરી હતી. માનભાઈને પાંચ પુત્ર અને ત્રણ પુત્રી હતી. જેમાં ઈન્દિરાબેન ભટ્ટનો જન્મ ૨૨ મી જૂન ૧૯૩૮ માં થયો હતો. નાનપણથી જ પિતાની પ્રવૃત્તિથી પ્રભાવિત થઈને તેમને પૂરું જીવન ફેશનને ત્યજી દીધી અને ભગવો પહેરીને બાળકોના વિકાસ કાર્યમાં લાગી ગયાં હતાં. સમાજના બાળકોને વિકસિત કરવા આજના આધુનિક સમયમાં ૮૫ વર્ષની જૈફ વયે પણ ઘરે રહીને પણ હસ્તકલાને જીવંત રાખી અને યુવતીઓને પણ તેની કલાકારી શીખવી રહ્યાં છે. તેઓ કહે છે કે, આજે કુટુંબ ભાવના, પરિવારની સેવા કરવાનું પણ ન ભૂલવું જોઇએ.
આધુનિક બનવાં સાથે સંસ્કાર પણ જાળવી રાખવાં જોઇએ. આ બધી પારિવારિક અને સામાજિક પ્રવૃત્તિથી આપણો દેશની ઓળખ સમગ્ર વિશ્વમાં છે તેને કાયમ રાખવાં માટે ઇન્દિરાબેન જેવી નિઃસ્વાર્થ સેવા ભાવનાની આજે નિતાંત જરૂરિયાત છે.

Previous articleઆંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગ રૂપે વિવિધા ગ્રુપ, ભાવનગર દ્વારા વિવિધા કાર્યક્રમો યોજાયા
Next articleનંદકુંવરબા મહિલા કોલેજના મુખપત્ર સ્વયમ-૧૨નું વિમોચન કરાયું, વિશિષ્ય સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું