જંગલો, ખેતરો, રસ્તાઓ પર લડીશું : યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ

212

ભાષણ સાંભળીને બ્રિટિશ સંસદે આપ્યું સ્ટેન્ડિંગ ઓવેશન : રશિયાને આતંકવાદી દેશ જાહેર કરવામાં આવે અને આકરા પ્રતિબંધો લાગૂ કરવામાં આવે : ઝેલેન્સ્કી
લંડન,તા.૯
અમે હાર નહીં માનીએ અને હારીશું પણ નહીં. અમે અંતિમ ઘડી સધી લડીશું, સમુદ્રમાં, હવામાં અમે અમારી જમીન માટે લડતા રહીશું. કોઈ પણ કિંમતે અમે જંગલોમાં, ખેતરોમાં, રસ્તાઓ પર લડીશું’. જ્યારે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વર્ષ ૧૯૪૦માં બ્રિટિશ સેનાને નાઝી જર્મન હુમલાને કારણે ફ્રાન્સથી પાછળ હટવા માટે મજબૂર થવુ પડ્યુ હતું ત્યારે બ્રિટનના વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલે ઉપરોક્ત વાત નીચલી સંસદમાં કહી હતી. ચર્ચિલના આ ભાષણ પછી જે થયું તે આજે ઈતિહાસ છે અને દરેકને તેની જાણ છે. અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ ચર્ચિલની ઉપરોક્ત વાતોને યુનાઈટેડ કિંગ્ડમના હાઉસ ઓફ કોમન્સમાં ફરીથી કહી. તેમણે કહ્યું કે, અમે અંતિમ સમય સુધી લડીશું, હાર નહીં માનીએ. તેમના આ ઐતિહાસિક ભાષણ પછી આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્‌યો હતો. બ્રિટિશ સંસદે રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીને સ્ટેન્ડિંગ ઓવેશન પણ આપ્યું. ઝેલેન્સ્કી યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવી રહેલી સૈન્ય કાર્યવાહીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મંગળવારના રોજ બ્રિટિશ સંસદમાં પોતાની સ્પીચ દમરિયાન ઝેલેન્સ્કીએ ચર્ચિલના પ્રખ્યાત ભાષણનો ઉલ્લેખ કરીને કહ્યું કે, અમે પશ્ચિમી દેશોની સહાયતા માટે તમારી મદદ ઈચ્છીએ છીએ. અમે આ મદદ માટે તમારા આભારી છીએ અને બોરિસ હું તમારો પણ આભાર વ્યક્ત કરુ છું. મહેરબાની કરીને આ દેશ(રશિયા) વિરુદ્ધ પ્રતિબંધોને વધારો અને તેને આતંકવાદી દેશ જાહેર કરો. સુનિશ્ચિત કરો કે અમારા યુક્રેનનું આકાશ સુરક્ષિત રહે. આટલુ જ નહીં, ઝેલેન્સ્કીએ દુનિયાભરમાં પ્રખ્યાત બ્રિટિશ લેખર શેક્સપિયરની અમુક વાતોને પણ પોતાના ભાષણમાં સામેલ કરી હતી. સેનાની ગ્રીન રંગની ટી-શર્ટ પહેરીને હાજર થયેલા ઝેલેન્સ્કીએ કહ્યું કે, અમારા માટે અત્યારે પ્રશ્ન એ છે કે ટુ બી ઓર નોટ ટુ બી..હોવું કે ન હોવું…તો હું તમને એક ચોક્કસ ઉત્તર આપી શકુ છું- હા, અમે છીએ. તેમણે બ્રિટનને અપીલ કરી છે કે રશિયાને આતંકવાદી દેશ જાહેર કરવામાં આવે જેથી યુક્રેન બચી શકે. ઉલ્લેખનીય છે કે પાછલા ૧૩ દિવસથી રશિયાએ યુક્રેનમાં યુદ્ધ શરુ કર્યું છે. સેંકડો નાગરિકો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે યુક્રેનના અનેક રાજ્યો પર રશિયાએ કબ્જો પણ મેળવી લીધો છે. યુક્રેન સતત દુનિયાના શક્તિશાળી દેશો પાસેથી મદદ માંગી રહ્યું છે.

Previous articleએલઆઈસીના આઇપીઑ પર કેન્દ્ર સરકાર નિર્ણય લેશે
Next articleએલએસી પર વિવાદ ઉકેલવા માટે ભારત-ચીન ફરી ચર્ચા કરશે