બુરખો પહેરીને આવેલી મહિલાએ CRPF બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો

61

જમ્મુ અને કાશ્મીરમાં ચોંકાવનારી ઘટના : વીડિયોમાં નકાબપોશ મહિલાની બાજુમાં વ્યકિત પણ જોવા મળી રહ્યો છે જો કે તેને જાણે કોઈ ફરક પડતો નથી
શ્રીનગર,તા.૩૦
જમ્મુ અને કાશ્મીરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાએ સીઆરપીએફના બંકર પર પેટ્રોલ બોમ્બ ફેંક્યો. આ ઘટના સોપારમાં ઘટી. બુરખો પહેરીને આવેલી મહિલા પેટ્રોલ બોમ્બ ફેંકીને ભાગી ગઈ. જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ નુકસાન થયું નથી. આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે રોજની જેમ લોકો રસ્તા પર અવરજવર કરી રહ્યા છે. ત્યારે જ અચાનક એક નકાબપોશ મહિલા જેના હાથમાં બેગ છે તે થોડીવાર માટે રોકાય છે. તે જ્યાં થોભી ત્યાં જ બરાબર બેરિકેટિંગ પણ કરાયેલી છે. આ બેરિકેટિંગ નજીક જ સીઆરપીએફનું બંકર છે. બુરખો પહેરેલી મહિલા ત્યાં આવી થોડી પળો સુધી આમતેમ જોઈ રહી. ત્યારબાદ બેગમાંથી પેટ્રોલ બોંમ્બ કાઢ્યો અને બંકર પર ફેંકીને ભાગી જાય છે. નકાબપોશ મહિલા ત્યાં ઊભી હોય છે ત્યારે તેની બાજુમાં એક વ્યકિત પણ જોવા મળી રહ્યો છે. જો કે તેને જાણે કોઈ ફરક પડતો નથી. ત્યારબાદ મહિલા તેની પાસે જે બેગ હતી તેમાંથી પેટ્રોલ બોમ્બ કાઢે છે અને બંકર તરફ ફેંકીને જતી રહે છે. મહિલાએ જેવો આ પેટ્રોલ બોમ્બ ફેંક્યો કે ત્યાં આગ લાગી જાય છે. અફરાતફરી મચી જાય છે ત્યારે સુરક્ષાકર્મીઓ પાણી દ્વારા આગ બૂઝવવાની કોશિશ કરે છે. બંકર પર કરાયેલા આ પેટ્રોલ બોમ્બથી હુમલામાં કોઈ જવાનને ઈજા થઈ નથી. જમ્મુ અને કાશ્મીરમાં આ પ્રકારની આ પહેલી ઘટના છે જેણે ગુપ્તચર એજન્સીઓની ઊંઘ ઉડાવી દીધી છે. આ બાજુ જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે મોડી રાતે સુરક્ષાદળોને મોટી સફળતા મળી. શ્રીનગરના રૈનાવારી વિસ્તારમાં મોડી રાતે અથડામણ થઈ જેમાં સુરક્ષાદળોએ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના બે આતંકીઓનો ખાતમો થયો છે. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી પોલીસને હથિયાર, ગોળાબારૂદ સહિત આપત્તિજનક વસ્તુઓ મળી છે. આ સમગ્ર મામલે કાશ્મીરના આઈજીપી વિજયકુમારે કહ્યું કે શ્રીનગર અથડામણમાં માર્યા ગયેલા બંને આતંકીઓ લશ્કર એ તૈયબા/ટીઆરએફના સ્થાનિક આતંકીઓ હતા. પોલીસના જણાવ્યાં મુજબ માર્યા ગયેલા આતંકીઓ ઘાટીના રહીશ હતા અને ઘાટીમાં અનેક નાગરિકોની હત્યાની ઘટનામાં તેમનો હાથ હતો. જેમાંથી એક આતંકવાદી પત્રકાર હતો.

Previous articleસતત ત્રીજા દિવસે સેન્સ્કેસમાં ૭૪૦ પોઈન્ટનો ઊછાળો
Next articleભાવનગરમાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા