કાશ્મીરી પંડિતોનું વિરોધ પ્રદર્શન કાશ્મીરી પંડિતોએ મુંડન કરાવ્યું

27

શ્રીનગર,તા.૨૨
કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા રાહુલ ભટ્ટની હત્યાના ૧૦મા દિવસે અનંતનાગ જિલ્લાના કાશ્મીરી પંડિતોએ મુંડન કરાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે. આ ઉપરાંત રાહુલ ભટ્ટના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. આ સાથે તેમણે એવી પણ માંગ કરી છે કે કાશ્મીર ઘાટીમાં પંડિતોને સુરક્ષા આપવામાં આવે અથવા તેમનું પોસ્ટિંગ જમ્મુમાં કરવામાં આવે.
રાહુલ ભટ્ટની હત્યા બાદ ’જાગો મોદી, જાગો મોદી’ના નારા લાગ્યા હતા. આ મુદ્દે જમ્મુથી લઈને કાશ્મીર સુધી દેખાવો થઈ રહ્યા છે. શનિવારે અનંતનાગ જિલ્લાના મટ્ટન વિસ્તારમાં પંડિતોએ ’જાગો મોદી, જાગો મોદી, રાહુલ તેરે કાતિલ ઝિંદા હૈ,શહીદ રાહુલ ભાઈ અમર રહે’ જેવા નારા લગાવ્યા હતા. તેમણે પ્રશ્ન કર્યો કે કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ કાશ્મીરી પંડિતો માટે સુરક્ષિત વાતાવરણ કેમ નથી બનાવી રહ્યા. વિરોધ કરી રહેલા લોકોએ પણ રાહુલ ભટ્ટની હત્યા માટે જિલ્લા વિકાસ પંચ બડગામ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હતો. રાહુલ ભટ્ટની પત્નીએ દાવો કર્યો છે કે તેમના પતિએ ઘરની નજીક પોસ્ટિંગની માંગણી કરી હતી. પરંતુ જિલ્લા વિકાસ કમિશનર બડગામે કોઈ ધ્યાન આપ્યું ન હતું. તેમણે રાહુલને દૂરના વિસ્તારમાં પોસ્ટ આપ્યું હતુ અને ત્યા તેમની હત્યા કરવામાં આવી. મુંડન કરાવ્યા બાદ કાશ્મીરી પંડિત સંજય કૌલે કહ્યું કે ’અમે સ્વેચ્છાએ રાહુલ પંડિત માટે મુંડન કરાવ્યું છે કારણ કે તે બહુ નાની ઉંમરે મૃત્યુ પામ્યો હતો. તેને ૫ વર્ષની દીકરી છે. સરકાર હવે આ મુદ્દે જાગે તેવી માંગીએ છીએ કારણ કે આ નરસંહાર છે. અન્ય કાશ્મીરી પંડિત રંજન જોત્શીએ કહ્યું કે તેઓ આ દુઃખની ઘડીમાં રાહુલના પરિવાર સાથે છે. અમે સરકાર પાસેથી કાશ્મીરી પંડિતોના નક્કર અને કાયમી પુનર્વસનની માંગ કરી રહ્યા છીએ. જ્યા સુધી આ વ્યવસ્થા ન થાય ત્યા સુધી અમે જમ્મુ ટ્રાન્સફર થવા ઈચ્છીએ છીએ.
દસ દિવસ અગાઉ આતંકવાદીઓએ ઓફિસમાં ઘૂસીને બડગામમાં ચદૂરા તાલુકા ઓફિસના ક્લાર્ક રાહુલ ભટ્ટ (૩૫)ને ગોળી મારી દીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. રાહુલ ૨૦૧૦માં વડાપ્રધાન પુનર્વસન પેકેજ હેઠળ કાશ્મીર પરત ફર્યા હતા. તેઓ પત્ની અને પુત્રી સાથે બડગામ જિલ્લાના પ્રવાસી પંડિત કોલોની શેખપોરામાં રહેતો હતો. આ પેકેજ હેઠળ ૪,૦૦૦ કાશ્મીરી પંડિતો ઘાટીમાં પાછા ફર્યા છે.

Previous articleઉત્તરાખંડના ચારધામમાં અત્યાર સુધીમાં ૮ લાખ શ્રદ્ધાળુ પહોંચ્યા
Next articleભાજપના ઉપાધ્યક્ષ અર્જુન સિંહ ટીએમસી સાથે જોડાયા