ઉત્તરાખંડના ચારધામમાં અત્યાર સુધીમાં ૮ લાખ શ્રદ્ધાળુ પહોંચ્યા

31

ચારધામમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકારે તીર્થયાત્રીઓ માટેની ચોક્કસ સંખ્યા નક્કી કરી છે
દહેરાદૂન, તા.૨૨
અત્યાર સુધીમાં દેશ-વિદેશના લગભગ ૮ લાખ શ્રદ્ધાળુઓ ઉત્તરાખંડના ચારધામો બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરી ચૂક્યા છે. ઓફિશિયલ સૂત્રોના જણાવ્યા મુજબ, મે મહિના સુધીના રજિસ્ટ્રેશન માટેનો સ્લોટ પૂરો થઈ ગયો છે. તારીખ ૨૨ મેથી શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારાના પણ કપાટ ખુલી રહ્યા છે. ચારધામમાં યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરકારે તીર્થયાત્રીઓની ચોક્કસ સંખ્યા નક્કી કરી છે. જેમાં બદ્રીનાથ દર્શન માટે જતાં શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રતિદિવસ ૧૬૦૦૦, કેદારનાથ માટે ૧૩૦૦૦, ગંગોત્રી માટે ૮૦૦૦, યમુનોત્રી અને હેમકુંડ સાહિબ માટે ૫૦૦૦-૫૦૦૦ શ્રદ્ધાળુઓની સંખ્યા પ્રતિ દિવસ નક્કી કરવામાં આવી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે તમામ તીર્થયાત્રીઓ શાંતિપૂર્વક તીર્થયાત્રા કરે તે અમારી પ્રાથમિકતા છે. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના હરીશ ગૌડે જણાવ્યું કે શુક્રવાર રાત સુધી પહોંચેલા સંપૂર્ણ તીર્થયાત્રીઓની સંખ્યા ૭,૭૫,૮૪૨ રહી જે રવિવાર સુધીમાં ૮ લાખ કરતા પણ વધારે થઈ જશે. હાલમાં જ એ પ્રકારે સમાચાર આવ્યા હતા કે અત્યારે ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા માટે શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી આવી રહ્યા છે. ત્યારે યાત્રા દરમિયાન ભોજન, પાણીની બોટલ અને રૂમ સહિતની કિંમત વધી હોવાના સમાચાર મળતાં જ પ્રશાસન એક્શનમાં આવ્યું છે. રાજ્યના મુખ્ય સચિવે જણાવ્યું કે ચારધામ આવતા યાત્રીઓ પાસેથી વધુ કિંમત વસૂલનારની ધરપકડ કરવી જોઈએ. કારણકે, એ પ્રકારે ફરિયાદ આવી છે કે યાત્રા દરમિયાન માર્ગમાં આવતી હોટેલ, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં શ્રદ્ધાળુઓ પાસેથી ચીજવસ્તુઓની વધુ કિંમત વસૂલવામાં આવી રહી છે. ૫૦૦ રૂપિયાના રૂમની ૫થી ૧૦ હજાર સુધીની કિંમત વસૂલવામાં આવી રહી છે. જ્યારે ૨૦ રૂપિયાની પાણીની બોટલની ૧૦૦ રૂપિયા કિંમત વસૂલવામાં આવી રહી છે. યાત્રાળુઓ માટે રાજ્ય સરકારે સુવિધાનું વિશેષ ધ્યાન રાખ્યું છે. જેમાં મોબાઈલ ટોયલેટની વ્યવસ્થા પણ સામેલ છે. યાત્રાના માર્ગ પર ત્રણ તબક્કામાં સફાઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને રાતના સમયે કચરો ઉઠાવવાનું કામ થઈ રહ્યું છે, જેથી બીજા દિવસે યાત્રાળુઓને સ્વચ્છ રસ્તા જોવા મળે. આ સિવાય જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યાત્રાળુઓની સુવિધા માટે પહેલીવાર રાજ્ય સરકારે હોટેલ, રેસ્ટોરન્ટ વગેરેમાં બિલમાં સર્વિસ ચાર્જ ન લેવા માટે કહ્યું છે. યાત્રાળુઓને સારી મેડિકલ સુવિધા મળે તે માટે સરકાર તૈયાર છે. ભાડામાં જે વધારો કરવામાં આવ્યો છે, તે બાબતે સરકાર સંવેદનશીલ છે અને વચ્ચેનો માર્ગ કાઢવામાં આવશે. ટ્રિપ કાર્ડમાં કેટલીક તકલીફ પડી રહી છે, પરંતુ તે માટે અધિકારીઓને વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય ટ્રાન્સપોર્ટ સેવા પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રોડવેઝની આવક વધારવા માટે સરકાર કામ કરી રહી છે.