૨૫ મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે

197

હવામાન વિભાગની આગાહી મુજબ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે : તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે
અમદાવાદ, તા.૨૨
રાજ્યમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે. લોકો ઘરની બહાર પણ નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ, રાજ્યમાં છેલ્લાં બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડતી અને પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં આકરી ગરમી વચ્ચે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ત્રણ દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં પ્રિ મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. સાથે જ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાથી ગરમીથી થોડી રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૫ મેનાં રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. આની સાથે તાપમાનમાં ઘટાડો થશે અને કાળઝાળ ગરમીથી રાહત મળશે. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. અમદાવાદમાં ૪૧-૪૨ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાય એવી શક્યતાઓ રહેલી છે. પ્રિ મોનસૂન એક્ટિવિટીના ભાગ રુપે કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તારો તેમજ અસમ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં વરસાદ પડી રહ્યો છે. મહત્વનું છે કે, છેલ્લાં બે ત્રણ દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં શનિવારે ૧૭ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાતો જોવા મળ્યો હતો. જેના કારણે ગરમીમાં આંશિક રાહત મળી હતી. શુક્રવારે ૪૩.૬ ડિગ્રી અને શનિવારે ૪૨ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. ત્યારે હવામાન વિભાગનું માનીએ તો, હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી પવન ફૂંકાતો રહેશે અને દિવસના તાપમાનમાં ૨ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળે એવી પણ શક્યતાઓ છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ૨૫ મેથી દક્ષિણ ગુજરાતમાં પ્રિ મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થશે. જ્યારે ૧૦ જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની શરુઆત થવાની શક્યતાઓ છે. હવામાન વિભાગનું કહેવું છે કે, રાજધાની દિલ્હીમાં આગામી ચાર દિવસ સુધી વરસાદ અને ઝાપટાના કારણે ગરમીથી રાહત મળશે. કેરળમાં ૨૭ મેથી પહેલી જૂન વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ રહેલી છે.