કંડલા પોર્ટ પરથી ૨૫૦૦ કરોડની કિંમતનું ૨૫૦ કિલો હેરોઈન જપ્ત

37

ડ્રગ્સ માફિયાઓ માટે ગુજરાતનો દરિયાકાંઠો ફેવરિટ : ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની સંયુક્ત કામગીરીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ૨૫૦૦ કરોડ જેટલી કિંમતનું હેરોઈન ભરેલું કન્ટેનર ઝડપી પડાયું
અમદાવાદ,તા.૨૧
ગુજરાતનો દરિયાકાંઠો જાણે ડ્રગ્સ ઘૂસાડવા માટે માફિયાઓનો ફેવરિટ બની ગયો હોય તેમ મુંદ્રા બાદ હવે કંડલા પોર્ટ પરથી મોટી માત્રામાં હેરોઈન ઝડપાયું હોવાના અહેવાલ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કંડલા પોર્ટ પરથી ૨૫૦ કિલો જેટલું હેરોઈન ઝડપાયું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૨૫૦૦ કરોડ રુપિયા જેટલી થાય છે. ગુજરાત એટીએસ અને ડીઆરઆઈની સંયુક્ત કામગીરીમાં હેરોઈન ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. પ્રાથમિક અહેવાલ અનુસાર, આ હેરોઈન અફઘાનિસ્તાનમાંથી આવ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે એટીએસના ડીઆઈજી દીપન ભદ્રને જણાવ્યું હતું કે એટીએસ અને ડીઆરઆઈના સંયુક્ત ઓપરેશનમાં કંડલા પોર્ટ પરથી હેરોઈનનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે, કેટલી માત્રામાં હેરોઈન ઝડપાયું છે અને તેની કિંમત કેટલી થાય છે તે અંગે કોઈ માહિતી આપવાનો તેમણે ઈનકાર કરતા કહ્યું હતું કે જથ્થાની માત્રા જાણવા માટે હાલ કામગીરી ચાલી રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ડ્રગ્સના જથ્થાને અફઘાનિસ્તાનથી ’પાવડર’માં ખપાવીને મોકલવામાં આવ્યો હતો. હજુ ગયા વર્ષે જ કચ્છ જિલ્લાના જ મુંદ્રા પોર્ટ પર ૨,૯૯૮ કિલો હેરોઈન ઝડપાયું હતું જેની કિંમત ૨૦,૦૦૦ કરોડ જેટલી થવા પામતી હતી. આ ઘટનાના એક મહિના બાદ પોર્ટનું સંચાલન કરતા અદાણી ગ્રુપે જાહેરાત કરી હતી કે હવેથી મુંદ્રા પોર્ટ પર પાકિસ્તાન, અફઘાનિસ્તાન તેમજ ઈરાનથી આવતા કોઈપણ કાર્ગોને હેન્ડલ કરવામાં નહીં આવે. હાલ આ કેસની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે. દેશમાં અત્યારસુધી સૌથી વધુ ૩,૦૦૦ કિલો હેરોઈનનો જથ્થો ડીઆરઆઈ દ્વારા મુંદ્રા પોર્ટ પરથી સપ્ટેમ્બર ૨૦૨૧માં પકડાયો હતો. આ કેસમાં વિજયવાડા સ્થિત આશી ટ્રેડિંગ કંપનીએ કંધારની હસન હુસૈન લિમિટેડ પાસેથી સેમી પ્રોસેસ્ડ ટેલ્કના નામે માલ મગાવ્યો હતો, જેને ઈરાનના પોર્ટ પરથી મોકલવામાં આવ્યો હતો. કેસની તપાસ એનઆઈએના હાથમાં ગયા બાદ કુલ ૧૬ લોકો સામે ચાર્જશીટ કરાયું હતું, જેમાં ૧૧ અફઘાની નાગરિકો, ચાર ભારતીયો અને એક ઈરાનીનો સમાવેશ થાય છે. અત્યારસુધીમાં દસ આરોપી ઝડપાઈ ચૂક્યા છે. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે હુસૈન એન્ડ હસન ફર્મને પાકિસ્તાનના કેટલાક આતંકવાદી સંગઠનો સાથે પણ સંપર્ક છે.

Previous articleબ્રિટનના પીએમ જોન્સને ગાંધી આશ્રમની મુલાકાત લીધી
Next articleગ્રીષ્મા હત્યામાં આરોપી ફેનિલ તમામ ગુનામાં દોષિત ઠર્યો