શનિ અમાવસ્યા સાથે પવિત્ર ચૈત્ર માસનું સમાપનને લઈ ભાવનગરમાં હનુમાનજી તેમજ શનિ મંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા

169

વહેલી સવારથી જ તેલનો અભિષેક, મહાપૂજા સાથે ભક્તોએ ગરીબોને દાન-પુણ્ય કર્યુ
જગત જનની માઁ જગદંબા સહિત 33 કોટી દેવી-દેવતાઓને આરાધવાનો પવિત્ર પાવન માસ ચૈત્ર માસનું આજરોજ સમાપન થયું છે. આજે શનિવાર અને અમાસનો શુભગ સમન્વય રચાયો હોય આથી શ્રદ્ધાળુઓનો ઉમંગ-ઉત્સાહ બેવડાયો હતો. વહેલી સવારથી જ મંદિરોમાં ભગવાનના દર્શન-પૂજન માટે ભક્તોની ભીડ જોવા મળી હતી. ત્યારે ભાવનગરમાં પણ શનિ મંદિરોમાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા.

ગોહિલવાડમાં દર વર્ષે ચૈત્ર માસમાં દૈવી ઉપાસનાઓનું આગવું-અનેરું મહત્વ છે અને જિલ્લામાં આવેલા વિવિધ શક્તિ પીઠો પર શ્રદ્ધા અને ભક્તિનો અનોખો માહોલ રચાય છે. છેલ્લા બે વર્ષથી લોકો વૈશ્વિક મહામારી કોરોનાના બંધનમાં હતાં આથી કોઈ પર્વ-તહેવાર પરંપરાગત રીતે ઉજવી શક્યા ન હતાં પરંતુ આ વર્ષે મહામારીનો ભય દૂર થતાંની સાથે જ શ્રદ્ધાળુઓ પરંપરાગત રીતે ચૈત્રી ઉપાસનામાં લીન બન્યાં હતાં. ગામડાઓમાં ઠેર ઠેર ભાગવત સપ્તાહ નવરંગા માંડવા સાથે નવચંડી યજ્ઞ-યજ્ઞાદિના સેંકડો આયોજનો જોવા મળ્યાં હતાં. આજે ચૈત્ર માસનો અંતિમ દિવસ હોય અને સાથે શનિવાર હોય આથી હનુમાનજી મંદિરોમાં અને શનિ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ખાસ્સી ભીડ જોવા મળી હતી. લોકોએ વહેલી સવારથી જ તેલનો અભિષેક મહાપૂજા સાથે ગરીબોને દાન-પુણ્ય મા લગીરે પાછીપાની કરી ન હતી. આજના દિવસે બ્રહ્મ ભોજન સાથે ગાય અબોલ જીવોને પણ ભોજન આપી ભક્તોએ પરભવનુ ભાથું બાંધ્યું હતું.

Previous articleભાવનગરના રૂપાણી સર્કલ પાસેથી ચોરાયેલા સ્કુટર સાથે એક શખ્સને LCBની ટીમે ઝડપી પાડ્યો
Next articleમુખ્યમંત્રીના આગમન પૂર્વે શહેરમાંંથી છુટા છવાયા દબાણો હટાવતું મ્યુનિ. તંત્ર