શક્તિ સ્થાનક શ્રી માંગલ ધામ ભગુડા ખાતે પાટોત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ યોજાયો

137

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા
ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્તિ સ્થાનક શ્રી માંગલ ધામ ભગુડા ખાતે પાટોત્સવ અને માંગલ શક્તિ સન્માન સમારોહ પ્રસંગે મોરારિબાપુએ શક્તિતત્વના ટૂંકા નિરૂપણમાં કહ્યું કે, માં એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ એ જ માં છે. શુક્રવાર રાત્રે ગોહિલવાડના સુપ્રસિદ્ધ શક્તિ સ્થાનક શ્રી માંગલ ધામ ભગુડા ખાતે 26મો પાટોત્સવ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો. આ સાથે જ શ્રી માંગલ શક્તિ સન્માન સમારોહમાં મોરારિબાપુના હસ્તે, સમારોહના પ્રેરક માયાભાઈ આહીર તેમજ સાથે રહેલા કીર્તિદાન ગઢવીના સંકલનથી ભજન લોકસાહિત્યમાં અમૂલ્ય પ્રદાન આપનારા શંભુદાનજી રત્નુ, લાખાભાઈ ગઢવી, મોતીસિંહજી મ્હેડું, ગીગાભાઈ બારોટ, રતુદાનજી રોહડિયા તથા હેમંતભાઈ ચૌહાણને પદક અને ચાદર સાથે ભાવવંદના કરાઈ હતી. આ સાથે જ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવનું વિશેષ સન્માન કરાયું હતું. મોરારિબાપુએ માતાજીના નવરાત્રીના નવ અંક સાથે, તે પૂર્ણ અંક હોવાની વાત કરી અને માં એ જ બ્રહ્મ છે અને બ્રહ્મ એ જ માં છે તેમ જણાવી માં પૂર્ણ છે, બ્રહ્મ પૂર્ણ છે. આમ બંને તત્વ એક જ છે, કહેવામાં જ માત્ર ભિન્ન છે. માં જગદંબા આંસુ જોઈ શકે, આંસુ ઝીલી શકે અને આંસુ આવવા ન દે તેવું મહાત્મ્ય રહેલું છે. ભગુડા સ્થાનક તપેલું હોવાનો ભાવ વ્યક્ત કરી અન્ય સ્થાનોની પણ આવી સિદ્ધિ વધતી રહે, જેમાં કોઈ સ્પર્ધા નહિ, એકબીજા સ્થાનોનું મહાત્મ્ય વધતું રહે તેવી લાગણી વ્યક્ત કરી અને સમગ્ર ભારતવર્ષનું ભવિષ્ય ઉજળું હોવાના શુકન રહ્યા અંગે સંકેત કર્યો.

આ ધર્મ અને સંસ્કૃતિના પ્રસંગમાં સંતો મહંતો કણિરામજી મહારાજ, ઝિણારામજી મહારાજ, શેરનાથજીબાપુ, ટૂંડિયાજી મહારાજ, રમઝુબાપુ, શ્રી બાલકનાથબાપુ, ધનસુખનાથબાપુ, દક્ષા માતાજી, અન્નપૂર્ણા માતાજી સહિત કથાકારો વગેરેની આશિષ ઉપસ્થિતિ રહી હતી. જાણિતા વક્તા સંચાલક મહેશભાઈ ગઢવીના માર્ગદર્શન સાથેના આ વિરાટ આયોજનમાં સાહિત્યકાર કલાકારો કીર્તિદાન ગઢવી, લક્ષ્મણબાપુ બારોટ, દેવાયત ગઢવી, પરષોત્તમપરી ગોસ્વામી, જીજ્ઞેશ બારોટ, દેવાયત ખવડ, દીપકબાપુ હરિયાણી, અનુભા ગઢવી તથા નાજાભાઈ આહીર દ્વારા ભજન લોકસાહિત્યની જમાવટ માણવા મળી હતી. ગુજરાતના ગૌરવરૂપ રહેલ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પ્રેરક આયોજનથી ભગુડા તીર્થમાં માંગલ માતાજીના આ ઉત્સવ સમારોહમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય સહકારી નેતા દિલીપભાઈ સંઘાણી, ધારાસભ્યો કેશુભાઈ નાકરાણી, અમરીશભાઈ ડેર તથા કનુભાઈ બારૈયા અને અગ્રણીઓ રઘુભાઈ હૂંબલ, ભોળાભાઈ રબારી, રામભાઈ ભંમર, નથુભાઈ ભંમર, દિગુભા ગોહિલ, નરેન્દ્રભાઈ સાંગા, કિશોરસિંહ ગોહિલ, જોરુભાઈ ખુમાણ, પ્રતાપભાઈ આહીર સહિત મોટી સંખ્યામાં સામાજિક, રાજકીય અગ્રણીઓ અને ઉદ્યોગપતિઓ સાથે કાર્યકર્તા સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

Previous articleભાવનગર જિલ્લાના મહુવા સર્કિટ હાઉસ ખાતે ઢગલા બંધ બિયરના ખાલી ટીન જોવા મળ્યા
Next articleરાણપુર તાલુકાના ચંદરવા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.