ભાવનગરના કુંભારવાડામાં ઘરભાડું ચુકવવા જણાવતાં પતિએ પત્નીને માર માર્યો

34

ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક શ્રમજીવી મહિલાએ તેના પતિને મકાન માલિકને ભાડું ચુકતે કરવા જણાવતાં ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. જેથી પરિણીતાએ સર.ટી હોસ્પિટલમાં સારવાર મેળવ્યા બાદ પતિ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર બનાવ અંગે ડી-ડીવીઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોતીતળાવ શેરીનં-7 કાદરી મસ્જિદ પાસે ભાડાના મકાનમાં રહેતી મહિલાએ તેના પતિ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તે તેના ઘરે સાડી ભરતની મજૂરી કરે છે જયારે પતિ છુટક મજૂરી કરે છે. હાલમાં આર્થિક સંકડામણ હોય આથી તેઓ જે મકાનમાં રહે છે એ મકાનનું બે મહિનાનું ભાડું ચડી જતાં મકાન માલિક ભાડું લેવા આવ્યો હતો. જેથી પરિણીતા એ પતિને જણાવ્યું કે, મકાન માલિકને ભાડું કેમ નથી ચુકવતા ? રૂપિયા રળીને કયાં નાંખો છો ? આ વાતથી ઉશ્કેરાયેલા પતિએ પત્નીને બિભત્સ ગાળો આપી હુમલો કરી ધોકા વડે માર માર્યો હતો. જોકે, પડોશી મહિલાએ વચ્ચે પડી મહિલાને છોડાવી સારવાર અર્થે સર.ટી હોસ્પિટલમાં લાવી હતી જયાં સારવાર બાદ પરણીતાએ પતિ વિરુદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પતિને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleભાવનગરના સોડવદરા ગામે દરવાજો બંધ કરવા જેવી બાબતે સગર્ભા પર ચાર મહિલાઓએ હુમલો કરી માર માર્યો
Next articleપાળીયાદ વિસામણબાપુની જગ્યા ખાતે ૩ દિવસની વરીયા પ્રજાપતિ સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યુ