વેપારીએ બાઇકના હેંડલમાં ટીંગાડેલ ૧.૩૪ લાખ રોકડની થેલીની ઉઠાંતરી

40

વેપારી પાનની દુકાને ઉભા હતા ત્યારે પૂર્વ કર્મચારી અને અજાણ્યો શખ્સ પૈસાની થેલી લઇ ફરાર : ગણતરીના સમયમાં બે ઝડપાયા
શહેરના દેવુબાગમાં બાઇકને રોડ ઉપર પાર્ક કરી પાનના ગલ્લે ઉભેલા વણિક વેપારીની રૂા.૧.૩૪ લાખ રોકડ સાથેની થેલી બે શખ્સો ઉઠાવી ગયા હતાં. જે પૈકી એક શખ્સ તેનો પૂર્વ કર્મચારી હતો. આ બનાવ અંગે વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસે બંને શખ્સોને ઝડપી લીધા હતાં. આ બનાવની ઉપલબ્ધ વિગતો મુજબ શહેરના વિજયરાજનગરમાં રહેતા વણિક વેપારી અજય હિંમતભાઇ શાહ ગત તા.૧૪ મેના રાત્રીના ૯ વાગ્યાના સુમારે દેવુબાગમાં શક્તિ પાન પાર્લર પર ઉભા હતા આ વેળાએ તેણે મોટરસાયકલ પર રૂા.૧.૩૪ લાખની થેલી ટીંગાડી રાખી હતી જેનો લાભ લઇ તેનો પૂર્વ કર્મચારી વિજય બારૈયા તથા એક અજાણ્યા શખ્સે મળી આ થેલીને ઉઠાવી જઇ ફરાર થઇ ગયા હતાં. બનાવ અંગે વણિક વેપારીએ નિલમબાગ પોલીસ મથકમાં વિજય બારૈયા અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી બંને શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.