નેતા લોગની લોયલ્ટી ચેક કરવા લોયલ્ટીમીટરની શોધ કરો!! (બખડ જંતર)

36

વેપારી વર્ગ એવું માને છે કે ગ્રાહકનું પાચનતંત્ર શુધ્ધ, અણિશુદ્ધ, વિશુદ્ધ ચોખ્ખી વસ્તુ હજમ કરી શકે તેવી સજજતા ધરાવતું નથી. એટલે નાછૂટકે , નાઇલાજે નિર્વિકલ્પ ,મજબુરીથી ભેળસેળ કરે છે! જેથી આપણું પાચનતંત્ર યથોચિત રીતે કામ કરતું રહે. બિચારા વેપારીઓનો કોઇ બદઇરાદો સગીરે હોતો નથી.એમને ખબર છે કે સિંહણનું દૂધ સુવર્ણપાત્રમાં રહી શકે, અન્યથા બીજી ધાતુના વાસણો ફાટી જાય. ગધેડીના દૂધનો તાત્કાલિક ઉપયોગ કરવો પડે, નહીંતર તેમાં જીવાત પડી જાય!!!
ભેળસેળની સામગ્રી પણ આલા દરજ્જાની , હર્બલ અમે ઓગ્રેનિક વાપરે છે. જેમ કે ધાણાજીરામાં ઘોડાની લાદ ભેળવે છે. આપણે ગૌઝરણનો પેય તરીકે અને જ્તુનાશક તરીકે કરીએ છીએ. ઘોડો ઘાસ, ચણા, ગોળ,ચંદીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે! તદન શાકાહારી છે. મરીમસાલા વગરનું. ઘણા લોકો છાણને અમૃત તરીકે સેવન કરતા હોય છે. કાળા મરીમાં પપૈયાના બી વાપરે છે, જેના અનેક ઔષધિય ગુણો છે.આમ, માનવ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખે છે તો પણ મુન્ના કે મુન્ની બદનામ હુઇ ગ્રાહક તેરે લીએ જેવો ઘાટ થાય છે.
ચણાનો લોટ એકલો પચે ખરો?હવે તો મલ્ટી ગ્રેંઇનની બોલબોલા છે. મલ્ટી ગ્રેઇન આંટો લેવા મોલમાં આંટા મારીએ છીએ!! પણ વેપારી બંધુ ચણાના લોટમાં મકાઇ, જુવાર કે ચોળાનો લોટ ઉમેરે તો ગ્રાહકને લૂંટી લીધો તેવો હલ્લાબોલ કરીએ છીએ. સોનાના ભાવ જેટલો ચણાના લોટનો ભાવ કયાં છે?ચોવીસ કેરેટ સોનાના ઘરેણા બનતા ન હોઇ તેમાં ચાંદી કે તાંબાનો ભેગ કરવામાં આવે છે!
અસલ કેસર તો પચ્ચીસ હજાર કરતાં વધુ કિંમતે વેચાય છે. વિમલ ગુટકા કંપની કેસરના ખેતરો ખરીદ કરતી હશે કે શું? ગુટકામાં સોપારી,એલાયચી, લવલી તો નામમાત્ર નાંખતા હશે!બાકી તો કેસર જ ધાબેડે છે. કેસર પણ ગુટકાના પાઉંચમાંથી સરકતું જાય. ગુટકાને કાપવા છરી, ચપ્પુ કે કાતર નહીં પણ તલવારનો ઉપયોગ કરવાનો. કયા બાત હૈ. હવે લાગે છે કે રાજાના અંગરક્ષક બનેલા વાંદરાએ મચ્છર મારવા તલવારનો ઉચિત ઉપયોગ કરેલો. શત પ્રતિશત કેસરયુકત ગુટકા વેચવા અજય દેવગણ મોડેલિંગ કરતા હતા. વેચાણ વધી ગયું હોય કે અજય દેવગણની અસર ઓછી થતી હોય કેમ તે ભગવાન જાણે તેમ શાહરૂખખાનને મોડેલિંગ માટે ખેંચી લાવ્યા. એ બંનેની અસર ઓછી હોય તેમ અક્ષયકુમારને ખેંચી લાવ્યા. હજુ યાદી લંબાઇને અમિતાભ, સૈફ અલીખાન,આમીરખાન એડ કેમ્પેઇનમાં જોડી લાવશે.આખરે જુબાં કેસરીનો સવાલ છે? આ કેસર કોઇ નકલી થોડું છે???
આજના જમાનામાં કોઈ પણ વસ્તુ ચોખ્ખી મળવી મુશ્કેલ છે. ફળ, શાકભાજી, અનાજ, મસાલામાં ભેળસેળ થતી હોય છે. આવી રોજિંદા વપરાશની ચીજવસ્તુ બનાવટથી માંડીને આપણા ઘરમાં પહોંચે ત્યાં સુધી થોડાઘણા અંશે કંઈકને કંઈક ભેળસેળ થતી હોય છે. ખાદ્ય ચીજ વસ્તુઓમાં અથવા તો તેની બનાવટમાં થતી ભેળસેળને રોકવી આપણાં હાથમાં નથી. પરંતુ જો સમયસર થયેલી ભેળસેળને ઓળખી લઈએ, તો મોટાભાગના નુકસાનમાંથી બચી શકાય તેમ હોય છે. તો અહીં આપના માટે અમે કેટલીક વસ્તુઓના ઉદાહરણ પણ દર્શાવ્યાં છેકે, તેમાં થયેલી ભેળસેળને કઈ રીતે ઓળખી શકાય છે.
મસાલાને રસોઈની સોડમ માનવામાં આવે છે. મસાલા ભોજનનો સ્વાદ વધારે છે. મસાલા વગર ૫૬ પકવાન પણ ફિક્કા લાગે છે. જોકે, સ્વાદના રસિયાઓને કદાચ એ ખબર નહીં હોય કે, મસાલામાં પણ ભેળસેળ થતી હોય છે. જેના પગલે બારેમાસનો સ્ટોક ભરતી પહેલા ગૃહિણીઓએ એ વાતની ચોકસાઈ કરી લેવી જોઈએ, કે મસાલામાં કોઈ ભેળસેળ તો નથી થઈને? હળદર, મરચામાં અને ધાણાજીરૂમાં થોડી વધુ માત્રામાં કલરની ભેળસેળ કરવામાં આવે છે. આવી ભેળસેળ આરોગ્ય માટે ખતરનાક સાબિત થાય છે. આ સિવાય કેસર, એલચી, તજ, મરી જવા તેજાના પણ ભેળસેળ થવાથી બાકાત નથી. મરચામાં નરી આંખે પણ ન દેખાય તે રીતે ભેળસેળ કરવામાં આવે છે. અગાઉ મરચામાં લાકડાનો વેર તથા ઓઈલ સોલ્યુશન કલર નાંખી ભેળસેળ કરવામાં આવતી હતી. હવે, ‘કવોલિટી મિશ્રણ’થી ભેળસેળ કરવાની નવી ટ્રીક માર્કેટમાં આવી છે. સારી બ્રાન્ડનાં મરચામાં લોકલ મરચાની ભૂકી મિક્સ કરવામાં આવે છે. હળદરમાં પણ ભેળસેળ થાય છે. હળદરને દળી નાંખ્યા બાદ તેમાં માપસર ચોખાનો લોટ ભેળવી દેવામાં આવે છે. બાદમાં તેમા ફૂડ કલર મિશ્રણ કરી નાખવામાં આવે છે. મસાલામાં કરવામાં આવતી ભેળસેળમાં જીરૂ અને રાઈ કુરિયા પણ બાકાત નથી. જીરૂમાં વરીયાળી તથા તેની સાથે શંખજીરૂની મિલાવટ કરવામા આવે છે. કુરિયામાં હલકી નિમ્ન કક્ષાની હળદરનો ઉપયોગ થાય છે અને ગરમ મસાલામાં સૌથી વધારે રાઈની ભેળસેળ થતી હોય છે.
દૂધ એ એક એવું કુદરતી ખાદ્ય પદાર્થ છે કે જેમાં સરળતાથી ભેળસેળ કરી શકાય છે. કેટલાક હોંશિયાર લોકો દૂધમાં એકસાથે એકથી વધારે પદાર્થો કે રસાયણોનો સુમેળ કરી ભેળસેળ કરે છે અને તેની દૂધમાં ચકાસણી મુશ્કેલ બનાવે છે. તાજેતરનાં વર્ષોમાં કેટલાક નવીન તત્વો-રસાયણોની દૂધમાં ભેળસેળ કરવામાં આવી હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, જેમના પરીક્ષણ માટેની અસરકારક પદ્ધતિઓ શોધાયેલ નથી, તેથી આવા કિસ્સાઓમાં ભેળસેળ ની પરખ ખાતરીપૂર્વક થઈ શકતી નથી. મધ કુદરતે આપેલી અણમોલ ભેટ છે. બોડીને ફીટ રાખવુ હોય કે બાળકને ગળથૂથી આપવી હોય સૌથી પહેલા મધ જ યાદ આવે. શુદ્ધ મધ ચરબી અને કોલેસ્ટેરોલ મુક્ત હોય છે. મધ મિનરલ્સ, એન્ઝાઈમ્સ જેવા પોષકતત્વો ભરપૂર હોય છે. તેમાં એન્ટિઓક્સિડન્ટ્‌સ, એન્ટિબેક્ટેરિયલ તત્ત્વો વિપુલ માત્રામાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. મધનાં આવા ફાયદા ત્યારે જ મળે છે જ્યારે મધ શુદ્ધ એટલે કે સો ટચના સોના જેવુ ચોખ્ખુ હોય. શુદ્ધ મધની કિંમત બજારમાં થોડી વધુ હોય છે, જેનો ફાયદો ઉઠાવીને કેટલાક લોકો મધમાં થોડી ભેળસેળ કરીને સસ્તામાં ચોખ્ખુ મધ આપવાના દાવા કરતા હોય છે.
દૂધમાં ભેળસેળ માટે વપરાતા કેટલાક પદાર્થો-રસાયણો વાપરવામાં આવે છે.
દૂધને ઝડપથી બગડતુ અટકાવવા માટે ફોર્મલિન નામનું રસાયણ ઉમેરવામાં આવે છે. ફોર્મેલીન એક ઝેરી અને જીવલેણ રસાયણ છે, તેને કેન્સરકારક પણ ગણવામાં આવે છે.યુરિયા પેટ અને જઠરની બીમારીઓ પેદા કરી શકે છે.હાઈડ્રોજન પેરોક્સાઈડ પ્રોટીનની ગુણવત્તાને અસર કરે છે. પ્રજીવકો તથા સલ્ફર ધરાવતા એમિનો એસિડની ઉપયોગિતાને અસર કરે છે.
ડિટર્જન્ટથી પેટમાં દુખાવો, પેટના ચાંદા વગેરે જેવા વિકારો પેદા કરે છે.
કોસ્ટીક સોડા કેન્સરકારક રસાયણ ગણાય છે. પેટ અને ચામડીના દર્દો પેદા કરી શકે છે. ઉપરાંત પ્રોટીનની ગુણવત્તાને પણ અસર કરે .ભેળસેળમાં સાવ સસ્તા પ્રકારનું સ્ટાર્ચ વાપરવામાં આવે છે, જે રોગજન્ય જીવાણુંઓ ધરાવી શકે છે.મોટાભાગે દૂષિત અને રોગજન્ય જીવાણુંઓ ધરાવતું પાણી વાપરવામાં આવે છે, જે ઝાડા, ઊલટી, પેટના વિકારો જેવા પાણીજન્ય રોગો પેદા કરી શકે છે.
મેલામાઇન મૂત્રપિંડ અને પ્રજનનતંત્રનાં રોગો પેદા કરે છે, તેની અસરથી બાળકોની મૂત્રપિંડ સંપૂર્ણપણે કામ કરતી બંધ થઈ
સસ્તા પ્રકારનું અને નીચી ગુણવત્તાવાળું ખાદ્ય તથા અખાદ્ય તેલ ઉમેરવામાં આવે છે, જે સ્વાસ્થ્યને વિવિધ રીતે હાનિકારક છે.
દૂધ ચોખ્ખુ છે કે કેમ, તેની સરળ તપાસ કરવા માટે ચિકણી લાકડી કે પત્થરની સપાટી પર દૂધનાં એક-બે ટીપા ટપકાવો. જો દૂધ વહેતાની સાથે જ નીચેની તરફ પડે અને સફેદ ધાર જેવુ બને તો દૂધ શુદ્ધ છે. દૂધમાં ડિટર્જનની ઓળખ કરવા માટે તેને કાચની બોટલમાં ભરીને જોરથી હલાવો. જો દૂધમાં ફીણ વધુ સમય સુધી બનેલા રહે, તો દૂધમાં ભેળસેળ છે. સલી દૂધ સ્વાદમાં સહેજ ગળ્યું હોય છે જ્યારે નકલી દૂધ પાઉડરના કારણે કડવા જેવું લાગે છે. આ સિવાય દૂધને ઓળખવાનો સીધો અને સરળ ઉપાય, હાથમાં દૂધના થોડા ટીપાં લો અને પછી તમારા હાથને એકસાથે ઘસો. જો તમારું દૂધ શુદ્ધ છે તો તમારા હાથ લુબ્રિકેટ થશે.
ઘઉંમાં ભેળસેળ છે કે, નહીં તેની ખાતરી કરવા માટે પાણી ભરેલા કાચનાં ગ્લાસમાં ભૂસાની ભેળસેળ હશે, તો પાણીની સપાટી પર તરવા લાગશે. ચોખાની શુદ્ધતા ચકાસવા માટે તેના પર ભીના ચુનાનાં પાણીનો છંટકાવ કરો. જો ચોખામાં ભેળસેળ હશે, તો તેનો રંગ લાલ થઈ જશે. રાગી પર કુત્રિમ રંગની ઓળખ કરવા માટે એક પાણીમાં અથવા તેલમાં બોળેલુ રૂ લો. રૂને રાગીની ઉપર રાખીને ઘસો. જો રૂમાં રંગ ચોંટે તો સમજજો કે, તે ભેળસેળવાળુ છે. શુદ્ધ મરી પાણીની અંદર બેસી જાય છે. જ્યારે ભેળસેળવાળા પાણીની સપાટી પર તરે છે. આ સિવાય ચુંબકની મદદથી ચાની ભૂકીમાં લોખંડના ભૂકાની તપાસ કરી શકાય. કેસરમાં મકાઈના રેસાની ભેળસેળ કરવામાં આવે છે. શુદ્ધ કેસરનાં તાંતણા સરળતાથી તૂટી નથી શકતા. અને દૂધ કે પાણીમાં પલાળતાં તાંતણામાંથી છેક સુધી રંગ છૂટો પડે છે. હળદરના પાઉડરને હથેળીમાં લઇ તેમા એકાદ ટીપુ પાણી નાંખી આંગળીથી મસળી બાદમાં હાથ સાબુથી ધોઇ નાખવો. હાથ ધોવા છતાં પીળાશ રહી ગઇ હોય તો ભેળસેળ રહિત અથવા તો ઓછા પ્રમાણમાં ભેળસેળ થઇ હોવાનું માની શકાય. જ્યારે મરચાની ભૂક્કી એક ચપટી ભરી મોંમા મુક્તાની સાથે જ વધુ પડતી તીખાશ લાગે તો સમજી લેવુ કે તેમાં ડીંટિયાનો ભૂક્કો દળીને મિક્સ કરવામાં આવે, તો મરચામાં ભેળસેળ થયેલી હોય છે. આ સિવાય પાણી ભરેલા ગ્લાસમાં મરચાની ભૂક્કી નાંખવામાં આવે અને ઉપરના ભાગે પાણી લાલ થઈ જાય તો સમજી જજો કે, મરચામાં કલરની ભેળસેળ થયેલી છે. હીંગની શુદ્ધતા જાણવા માટે અંગાળી પર લઈને સ્મેલ કરવી. શુદ્ધ હિંગની સ્મેલ વધુ આવે છે. ભેળસેળ વિનાના કાળામરી પાણી ભરેલા કાચના ગ્લાસમાં તરવા લાગશે. ભેળસેળ વગરનાં તજ સ્વાદમાં તીખા લાગે છે. જ્યારે ભેળસેળવાળામાં સહેજ મીઠાશ આવે છે. શુદ્ધ કેસરને પાણીમાં નાંખતાની સાથે જ ઓગળીને રંગીન અથવા તો સુગંધિત પાણીમાં ફેરવાઈ જાય છે.
નેનો ટેક્નોલોજી પર આધારિત અદ્યતન ડીપસ્ટિક સંશોધનની મદદથી, હવે દૂધમાં ૮ પ્રકારના દૂષકોને સેકન્ડોમાં શોધી કાઢવું ??શક્ય છે. કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત અમરેલીની ડેરી સાયન્સ કોલેજના વૈજ્ઞાનિકો દ્વારા એક ટેકનિક વિકસાવવામાં આવી છે. આજકાલ દરેક બાબતમાં મૂંઝવણ છે. જેના કારણે લોકોને સ્વાસ્થ્ય સંબંધિત અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. પણ હવે એવું નહીં થાય. નેનો ટેક્નોલોજી પર આધારિત અદ્યતન ડીપસ્ટિક સંશોધનની મદદથી, હવે દૂધમાં ૮ પ્રકારના દૂષકોને સેકન્ડોમાં શોધી કાઢવું ??શક્ય છે. આપણે ત્યાં ખાદ્યપદાર્થોમાં ભેળસેળથી મોટી ભેળસેળની ચિંતા કરવાની જરૂર છે. આપણા ખુરશીબહાદુર અને બીજા વાડામાં જવા થનગનભૂષણો( રૂપિયાના ખનખનના અવાજથી સંમોહિત અને મૂર્છિત )ની નિમકહલાલી સદૈવ શંકાસ્પદ અને સંદેહાત્મક હોય છે.આ લોકો શિરામણ (સુધરેલી ભાષામાં ઉપાહાર- બ્રેકફાસ્ટ)અ પક્ષમાં કરે છે, બપોરા ( લંચ)બ પાર્ટીમાં કરે છે, રોંઢા( સાંજનો નાસ્તો) ક પાર્ટીમાં કરે છે અને વાળુપાણી( ડિનર) ડ પાર્ટીમાં કરે છે. આ બધું લોકશાહીને સુદ્રઢ કરવા કરે છે; તેમનો અંતરાત્મા વારંવાર જાગી જાય છે- પક્ષ બદલતી વખતે અચૂક જાગરણ કરે છે. વાહનોમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ – જીપીએસ લગાવવાથી વાહનને ટ્રેક કરી શકાય છે. તેમ લોયલ્ટીમીટરની શોધ કરીને દર કલાક-બેકલાકે નેતાજીની લોયલ્ટી ચેક કરીને હવે કંઇ પાર્ટી જોઇન કરશે તેનો વર્તારો કરી શકાય તો દ્રૌપદીની જેમ લોકશાહીના ચીરહરણ અટકાવી શકાશે

– ભરત વૈષ્ણવ