ધગતા ઉનાળા વચ્ચે ભાવનગરમાં પાણીની માંગમાં દૈનિક ૭૦ લાખ લીટરનો વધારો

48

બોરતળાવ અને શેત્રુંજી ડેમ તથા મહિપરીએજ યોજનાના કારણે પાણી જોઇએ તેટલું ઉપલબ્ધ પરંતુ વિવેક પૂર્ણ ઉપયોગ ખૂબ જરૂરી
ભાવનગરમાં કારમાં ઉનાળાના દિવસોમાં પીવાના પાણીની માંગમાં વધારો થતાં કોર્પોરેશન દ્વારા ૭૦ લાખ લીટર પાણી વિતરણ વધારી દેવાયું છે. જોકે, શહેરના અંતરિયાળ વિસ્તારમાં પીવાની પાણીની સમસ્યાના દેકારો રાબેતા મુજબ સંભળાય રહ્યો છે. પરંતુ ભવનગરને જોઈએ તેટલુ પાણી મળી રહ્યું છે, પાણી સમસ્યા છે તે સ્થાનિક સ્તરે વિતરણ વ્યવસ્થામાં કચાસ તેમજ ઇલે.મોટર મૂકી પાણી ખેંચી લેવાની વૃત્તિને આભારી હોવાનું હાલ લાગી રહ્યું છે.! ભાવનગર કોર્પોરેશન બોરતળાવ, શેત્રુંજી ડેમ અને મહીં પરીએજ યોજના એમ ત્રણ સોર્સમાંથી પાણી મેળવે છે, તાજેતરના ભૂતકાળમાં ભાવનગરને પાણીની કોઈ તંગી પડી નથી. હાલ શહેરમાં એક પણ કાપ વગર પ્રત્યેક દિવસે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. શહેરમાં શિયાળાની ઋતુમાં કોર્પોરેશન દૈનિક ૧૬૩ એમએલડી રો-વોટર મેળવી તેને ફિલ્ટર કરતા બચેલું ૧૫૦ એમએલડી પાણી વિતરણ કરાતું હતું. હવે ઉનાળાની ગરમીમાં દૈનિક ૧૭૦ એમએલડી રો-વોટર મેળવી તેમાંથી ફિલ્ટર થયેલું ૧૫૭ એમએલડી પાણીનું હાલ વિતરણ થઈ રહ્યું છે. આમ સરેરાશ ૭૦ લાખ લીટરનો ઉપાડ વધ્યો છે. છતાં પાણીની કોઈ તંગી ઉભી થઇ નથી જે ઉનાળામાં પાણીથી લહેરાતા બોરતળાવ અને શેત્રુંજી ડેમને આભારી છે. ઉપરાંત માં નર્મદા પણ પાવન નીર પુરા પાડી રહી છે.
બોરતળાવનું પાણી મફત, મહિપરીએજ કરતા શેત્રુંજીનું પાણી સસ્તું
પાણીની કિંમત અમૂલ્ય છે, તેના વગર જીવન કલ્પી જ ન શકાય. પરંતુ પાણીના વહનનો ખર્ચ કોનો ઓછો અને કોનો વધુ તે ચકાસતા બોરતળાવનું પાણી ગ્રેવીટી મારફત સીધું જ નિલમબાગ ફિલ્ટરે વગર ખર્ચે પહોંચે છે. મતલબ કે ઇલેક્ટ્રિકસીટીનો કોઈ ઉપયોગ નથી થતો. જયારે શેત્રુંજી ડેમનું પાણી પ્રતિ ૧ હજાર લીટર રૂ.૪.૫૦ પૈસે ભાવનગર પહોંચતું થાય છે, એ રીતે મહીં પરીએજનું પાણી પ્રતિ ૧ હજાર લીટર રૂ ૬.૫૦ થી પડતર છે. આ રો-વોટરને વહન કરવાનો ખર્ચ છે. આ પાણીને ફિલ્ટર કરી વિતરણ કરવાની વ્યવસ્થા અને ખર્ચ અલગ હોય છે.

Previous articleનેક નામદાર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ દિવસ : તેમણે આપેલી ‘ભેટ’ કાયમ રહેશે
Next article‘ભાઈ’નો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવા કોળી સમાજમાં ઉત્સાહ : આયોજન અંગે બેઠક મળી